તારી વિક્રમ વેદાનો વારો આવવા દેઃ ઋતિકે લાલસિંહના વખાણ કરતાં લોકોમાં રોષ

- બોલીવૂડથી ભારે નારાજ લોકો સ્ટાર્સનાં પરસ્પરની ફિલ્મોનાં વખાણ કરવાનાં ગતકડાં સહન કરી લેવા તૈયાર નથી

મુંબઈ


આમિર ખાનની લાલસિંહ ચઢ્ઢા બોક્સ ઓફિસ પર બહુ ખરાબ રીતે પટકાઈ છે. હવે ઋતિક રોશને આ ફિલ્મનાં વખાણ કરતાં તે પણ લોકોના રોષનો ભોગ બન્યો છે. તેનાથી નારાજ થયેલા લોકોએ હવે તારી વિક્રમ વેદાનો વારો આવવા દે એમ કહી રોષ ઠાલવ્યો હતો. 

આમિરની ૧૮૦ કરોડમાં બનેલી લાલસિંહ ચઢ્ઢા બોક્સ ઓફિસ પર ટાંય ટાંય ફિસ્સ થઈ ગઈ છે. આ ફિલ્મ ત્રણ દિવસમાં ટોટલ ૨૮ કરોડનો બિઝનેસ માંડ કરી શકી છે. હાલત એટલી ખરાબ છે કે સંખ્યાબંધ મલ્ટીપ્લેક્સ તથા સિંગલ સ્ક્રિનમાં તેના સેંકડો શો કરી દેવા પડયા છે. 

જોકે, બોલીવૂડના સ્વાર્થી સ્ટાર્સ ધંધાદારી કારણોસર પ્રજાને ઉલ્લુ બનાવવા માટે એકબીજની વાહિયાતમાં વાહિયાત ફિલ્મ અને બેકાર એક્ટિંગના પણ વખાણ કરવાના ચાળે ચડયા છે. અહો રુપમ , અહો ધ્વનિનો આ ખેલ તદ્દન પોકળ હોય છે અને અંદરખાને આ જ કલાકારો એકબીજાનું પત્તું કાપવા માટે મરણિયા પ્રયાસો કરતા હોય છે પરંતુ તેમને એમ જ લાગતું હોય છે કે આપણા દેખાડાથી લોકો અંજાઈ જશે. 

પરંતુ, હવે લોકો આવાં ખોટેખોટાં વખાણ અને એકબીજાની ફિલ્મોને પ્રોત્સાહન પણ સહન કરવા તૈયાર નથી. તાજેતરમાં ઋતિક રોશને લાલસિંહ ચઢ્ઢા ફિલ્મના પેટ ભરીને વખાણ લખ્યાં હતાં. તેેણે કહ્યું હતું કે આ ફિલ્મ બહુ ભવ્ય છે અને લોકોએ તે થિયેટરમાં જઈને જોવી જ જોઈએ. 

તેની સોશિયલ મીડિયા પોસ્ટ પર લોકોએ ભારે રોષ ઠાલવ્યો હતો. કેટલાક યુઝર્સએ લખ્યું હતું કે આ પોસ્ટ દ્વારા ઋત્વિકે પોતાની વિક્રમ વેદા ફિલ્મનું ભવિષ્ય ખરાબ કરી નાખ્યું છે. અન્ય એક યૂઝર્સએ લખ્યું હતું કે તારે આ કરવા જેવું ન હતું. પોતાની ફિલ્મ પર ફોક્સ કરવાને બદલે તું અન્યોને ટેકો આપવા નીકળ્યો છે. હવે પરિણામ ભોગવવા તૈયાર રહેજે. વિક્રમ વેદાના પણ આવા જ હાલ કરશું. ટ્વીટર પરત બોયકોટ વિક્રમ વેદા ટ્રેન્ડ પણ શરુ થયો હતો. 

લાલસિંહ સામે આવો ટ્રેન્ડ શરુ થયા બાદ આમિરે પોતે પણ અન્યોની જેમ ભારતને પ્રેમ કરે છે તથા ફિલ્મનો બોયકોટ નહીં કરવાની અપીલો કરી હતી. ફિલ્મ જગતના સંખ્યાબંધ લોકોએ આવાં બોયકોટના એલાનોને વખોડી કાઢ્યાં છે. જોકે, ફિલ્મ સમીક્ષકો સ્વીકારી રહ્યા છે કે બોયકોટનાં આ એલાનોથી ફિલ્મોની કમાણીમાં એક ચોક્કસ સ્તરે ગાબડું પડે જ છે.



https://ift.tt/P2Hjg8I from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/heuGzow

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ