આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સૌરાષ્ટ્રમાં ઠેરઠેર ઉજવણી રાજકોટમાં એક લાખની મેદનીવાળી રાજ્યની સૌથી મોટી- બે કિ.મી.નાં રૂટવાળી તિરંગા યાત્રાનો નજારો: મુખ્યમંત્રી, : ગૃહમંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખની હાજરી અમૃતકાળમાં પ્રવેશતા દેશવાસીઓ માટે તિરંગા યાત્રા દેશભક્તિનો અમૂલ્ય અવસર : ભુપેન્દ્ર પટેલ
રાજકોટ, : 75મા સ્વાતંત્ર્ય પર્વને અનુલક્ષીને આજે રાજકોટમાં આયોજિત બે કિલોમીટર લાંબી- રાજ્યની સૌથી મોટી તિરંગા યાત્રાને મુખ્યમંત્રીએ ફ્લેગ ઓફ કરાવી હતી. ગૃહ રાજ્ય મંત્રી સહિતનાં મંત્રીઓ તથા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં નીકળેલી તિરંગા યાત્રામાં વરસાદી વાતાવરણ વચ્ચે પણ એકા'દ લાખ શહેરીજનો ગૈરવભેર સામેલ થયા હતા. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આજે જામનગર, મોરબી, પોરબંદર સહિત સૌરાષ્ટ્રમાં ઠેરઠેર તિરંગા રેલીઓ નીકળી ત્યારે દેશભક્તિનો અનેરો માહોલ રચાયો હતો અને 'આઝાદી અમર રહો'ના નાદ ગૂંજી ઉઠયા હતા. રાજકોટમાં વિદ્યાર્થીઓ દ્વારા રજૂ થયેલાં દેશભક્તિની થીમવાળા સાંસ્કૃતિક કાર્યક્રમો અને દિવ્યાંગ બાળકોનાં નૃત્ય સાથે વહેલી સવારથી જ દેશભક્તિનો માહોલ રચાયો હતો. બહુમાળી ભવન ચોક સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ બાદ તિરંગા યાત્રાના પ્રારંભ સમારોહમાં મંચ પરથી ઉદબોધન કરતાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું કે અમૃતકાળમાં પ્રવેશી રહેલા દેશવાસીઓ માટે તિરંગા યાત્રા એ દેશભક્તિનો અમૂલ્ય અવસર બની રહેશે. દેશની પ્રગતિમાં ખભેખભો મિલાવીને સહભાગી થવા તેમણે આહવાન કર્યું હતું. મુખ્યમંત્રી ઉપરાંત ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, રાજકોટના પ્રભારી મંત્રી જીતુ વાઘાણી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ, મેયર પ્રદીપ ડવ સહિતના મહાનુભાવોએ તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનોની બાઈક રેલી મોખરે રહી હતી તથા પોલીસ બેન્ડ સાથેની તિરંગા યાત્રામાં એનસીસી કેડેટ્સ, વિવિધ યુનિવર્સિટીના છાત્રો અને બ્રહ્માકુમારીઝ, ખોડલધામ, સરદારધામ સહિતની સંસ્થાઓના કાર્યકરો, શહેરીજનો જમણા હાથમાં તિરંગા લઈને તેમાં સામેલ થયા હતા. ટેક્સટાઈલ્સ એસો. દ્વારા બનાવાયેલા 200 ફૂટ લાંબા રાષ્ટ્રધ્વજને ધારણ કરીને એનસીસી કેડેટ્સ જોડાયા હતા. યાજ્ઞિાક રોડ થઈને યાત્રા મહાત્મા ગાંધીજીના સ્મરણવાળી રાષ્ટ્રીય શાળા ખાતે પહોંચી સમાપન પામી હતી, જ્યાં બાપુની પ્રતિમાને આગેવાનોએ સુતરની આંટી પહેરાવીને તથા ભારત માતાની છબિ સમક્ષ દિપ પ્રાગટય કરીને ભાવવંદના કરી હતી.
જામનગર મહાનગરપાલિકા તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સંયુક્ત ઉપક્રમે તિરંગા યાત્રા યોજવામાં આવી હતી, જેનો પ્રારંભ લાખોટા તળાવની પાળ ગેઇટ નંબર-1 પાસેથી કરવામાં આવ્યો હતો. તિરંગા યાત્રામાં સુંદર અને આકર્ષક ફલોટ્સ પણ જોડવામાં આવ્યા હતા. યાત્રાના રૂટ પર આવેલી સ્વાતંત્ર્યવીર એવા શ્યામજી કૃષ્ણ વર્માની પ્રતિમા ઉપરાંત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફુલહાર કરવામાં આવ્યા હતા. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાના વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા, અને તેઓ દ્વારા આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે 75 મીટર લાંબો રાષ્ટ્રધ્વજ તૈયાર કરાયો હતો. આ રાષ્ટ્રધ્વજ સાથે વિદ્યાર્થીઓ તિરંગા યાત્રામાં જોડાયા હતા, અને નગર ભ્રમણ કર્યું હતું. ભારે ઉત્સાહ ભર્યા વાતાવરણમાં 'ભારત માતા કી જય' ના ગગન ભેદી નારા સાથે તિરંગા યાત્રા સંપન્ન થઈ હતી. તેમાં મેયર બીનાબેન કોઠારી, અન્ય રાજકીય આગેવાનો, અધિકારીઓ વગેરે પણ સેંકડો નગરજનો સાથે સામેલ થયા હતા.
મોરબીમાં સ્વામિનારાયણ મંદિર ખાતેથી રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાએ તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ યાત્રા નગરભ્રમણ બાદ એ જ સ્થળે પરત ફરીને સમાપન પામી હતી. સંતો- મહંતો સહિત મોટી સંખ્યામાં લોકો તેમાં જોડાયા હતા.પોરબંદરમાં મહિલા સંસ્થાઓનાં સંયુક્ત ઉપક્રમે પ્રદેશ ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષા દિપીકાબેન સરડવાનાં માર્ગદર્શન હેઠળ નીકળેલી તિરંગા રેલી રૂપાળી બા બાગથી નીકળીને વિવિધ માર્ગો પર ફરી હતી, જે દરમિયાન ભારત માતા કી જય, વંદે માતરમ્, આઝાદી અમર રહેના નારા ગૂંજી ઉઠયા હતા. માળિયાહાટીના ખાતે 200 ફૂટ લાંબા રાષ્ટ્રધ્વજ સાથેની તિરંગા યાત્રાનો રેલવે સ્ટેશન ખાતેથી સાંસદ રાજેશ ચુડાસમાએ પ્રારંભ કરાવ્યો હતો. મહારાણા પ્રતાપની પ્રતિમાને પુષ્પહાર
પહેરાવીને યાત્રા મુખ્ય બજારમાં ફરી હતી. બગીચા પાસે આમ આદમી પાર્ટીના આગેવાનો- કાર્યકરોએ પણ તિરંગા ફરકાવી, ભારત માતા કી જયના નારા લગાવીને યાત્રાને સમર્થન આપ્યું હતું. વડિયાનાં છેવાડાનાં ગામ હનુમાન ખિજડિયામાં પણ તાલુકા ભાજપ મહામંત્રી શૈલેષ ઠુમર અને સરપંચ સહિતના આગેવાનોની હાજરીમાં સંખ્યાબંધ લોકો તિરંગા યાત્રામાં જોડાયા હતા. કોટડાસાંગાણીમાં તાલુકા યુવા ભાજપ પ્રમુખ હરદેવસિંહ જાડેજાની આગેવાનીમાં તિરંગા યાત્રા બાઈક રેલી સાથે ગુરૂદત્ત મંદિરેથી સરદાર ચોક, ગોકુળ ચોક સહિત સ્થળે ફરી હતી.
https://ift.tt/HWBTMyn
0 ટિપ્પણીઓ