મથુરાઃ બાંકે બિહારી મંદિરમાં શ્રદ્ધાળુઓનો ધસારો, ગૂંગળામણથી 2ના મોત


- રાતે 2:00 વાગ્યા આસપાસ બનેલી દુર્ઘટના બાદ હોસ્પિટલ પહોંચેલા મૃતકોના પરિવારજનો પોસ્ટમોર્ટમ કરાવ્યા વગર જ મૃતદેહ લઈને નીકળી ગયા હતા

મથુરા, તા. 20 ઓગષ્ટ 2022, શનિવાર

એક તરફ જન્માષ્ટમીના અવસર પર દેશભરમાં શ્રદ્ધાળુઓ ભગવાન કૃષ્ણની આરાધનામાં લીન હતા ત્યારે ઉત્તર પ્રદેશના મથુરા ખાતેથી એક દુઃખદ ઘટના સામે આવી છે. શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના અવસર પર વિશ્વ પ્રસિદ્ધ બાંકે બિહારી મંદિરમાં થતી મંગળા આરતી દરમિયાન ભક્તોની ભીડ જામવાના કારણે કેટલાક લોકોને ગૂંગળામણ થઈ ગઈ હતી જેથી 2 લોકોના મોત થયા હતા. તે સિવાય ગૂંગળામણ અને નાસભાગના કારણે 6 જેટલા લોકોને ઈજાઓ પહોંચી છે. 

દુર્ઘટના બાદ ઘાયલોને વૃંદાવન ખાતેની વિવિધ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દુર્ઘટના બાદ મંદિર પરિસરની સ્થિતિ બેકાબૂ બની હતી જેને પોલીસ વગેરેની મદદથી કાબૂમાં લેવામાં આવી હતી. 

બાંકે બિહારી મંદિરમાં વર્ષમાં એક વખત યોજાતી મંગળા આરતી સમયે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જામી હતી. ચોગાનમાં ક્ષમતા કરતા અનેક ગણાં વધારે શ્રદ્ધાળુઓ એકઠા થયા હોવાના કારણે ગૂંગળામણથી નોએડા નિવાસી નિર્મલા દેવી તથા વૃંદાવન નિવાસી રામ પ્રસાદ વિશ્વકર્માનું મોત થયું હતું. 

દુર્ઘટના બાદ ત્યાં ઉપસ્થિત ડીએમ, એસએસપી સહિતના અધિકારીઓએ ખાનગી સુરક્ષાકર્મીઓ સાથે મળીને શ્રદ્ધાળુઓને મંદિરની બહાર કાઢવાનું શરૂ કરી દીધું હતું. 

4 નંબર પરના ગેટ પર એક શ્રદ્ધાળુ બેભાન થયા ત્યાર બાદ બની દુર્ઘટના

મંદિરમાંથી બહાર જવા માટે 4 નંબર અને 1 નંબરના ગેટનો ઉપયોગ થાય છે. 4 નંબરના ગેટ પર ગૂંગળામણના કારણે એક શ્રદ્ધાળુ બેભાન થઈ ગયા હતા. પોલીસકર્મીઓ તેમને બહાર કાઢવા પ્રયત્ન કરી રહ્યા હતા તે સમયે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જામી ગઈ હતી જેથી અન્ય શ્રદ્ધાળુઓને પણ ગૂંગળામણ થવા લાગી હતી. 

રાતે 2:00 વાગ્યા આસપાસ બનેલી દુર્ઘટના બાદ હોસ્પિટલ પહોંચેલા મૃતકોના પરિવારજનો પોસ્ટમોર્ટમ કરાવ્યા વગર જ મૃતદેહ લઈને નીકળી ગયા હતા. 

Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/Icil7at https://ift.tt/OLpEyUJ

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ