બિલકિસ બાનો રેપ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા 11 આરોપીઓને મુક્ત કરાયા


- તમામ દોષિતોને સોમવારે ગોધરા સબ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા

ગુજરાત, તા. 16 ઓગષ્ટ 2022, મંગળવાર

ગુજરાતના ગોધરામાં વર્ષ 2002માં થયેલા દંગા દરમિયાન બિલકિસ બાનો સાથે ગેંગરેપ કરનારા બધા 11 દોષિતોને ગુજરાત સરકારે મુક્ત કર્યા છે. ગુજરાત સરકારે મુક્તિ નીતિ હેઠળ આજીવન કેદની સજા ભોગવી રહેલા તમામ 11 દોષિતોને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો ત્યારબાદ તમામ દોષિતોને સોમવારે ગોધરા સબ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.

15 વર્ષથી વધુ સમયથી સજા ભોગવી ચૂકેલા બધા દોષિતોને 21 જાન્યુઆરી, 2008ના રોજ મુંબઈની વિશેષ સીબીઆઈ કોર્ટે બિલકિસ બાનોના પરિવારના સાત સભ્યો સાથે ગેંગરેપ અને હત્યાના મામલામાં તમામ દોષિતોને આજીવન કેદની સજા સંભળાવી હતી. જે સજાને બાદમાં બોમ્બે હાઈકોર્ટે પણ માન્ય રાખી હતી.

ત્યારબાદ બધા દોષિતોમાંથી એકે સમય પહેલા જ મુક્તિ માટે માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. જે બાદ સુપ્રીમ કોર્ટના આદેશ પર રાજ્ય સરકારે પંચમહાલ કલેક્ટર સુજલ મયાત્રાની અધ્યક્ષતામાં સજા ઘટાડવા અથવા નાબૂદ કરવા માટે એક પેનલની રચના કરી હતી.

આ પેનલે બધા દોષિતોની સજાને પર્યાપ્ત માનતા અને જેલમાં તેઓના આચરણને ધ્યાનમાં રાખી નિર્ણય લેવામાં આવ્યો કે, તેઓને સજામાં છૂટ આપતા મુક્ત કરી દેવામાં આવે. પેનલના પ્રમુખ પંચમહાલ કલેક્ટર સુજલ માયાત્રાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના આદેશના થોડા મહિના પહેલા રચાયેલી સમિતિએ સર્વાનુમતે બિલકિસ બાનો કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા તમામ 11 દોષિતોને મુક્ત કરવાનો નિર્ણય લીધો છે. પેનલે પોતાના નિર્ણયની જાણકારી રાજ્ય સરકારને પણ મોકલી હતી. ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યો કે, તમામ 11 દોષિતોને જેલમાંથી મુક્ત કરવામાં આવે.

વર્ષ 2019માં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને બિલકિસ બાનો ગેંગરેપ મામલે આદેશ આપ્યો હતો કે, દુષ્કર્મ પીડિતા બિલકિસ બાનોને ગુજરાત સરકાર 50 લાખ રૂપિયા વળતર, સરકારી નોકરી અને રહેવા માટે ઘર આપે. 

સુપ્રીમ કોર્ટે આ મામલે ગુજરાત સરકારને ફટકાર લગાવતા કહ્યું હતું કે, રાજ્ય સરકાર બે અઠવાડિયામાં બિલકિસ બાનોને 50 લાખ વળતર, સરકારી નોકરી અને મકાન આપશે.




https://ift.tt/6p1Yg2Q

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ