- ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જનો પ્રારંભ અને IFSCAના હેડક્વાટર્સ ભવનનો શિલાન્યાસ
- ફાયનાન્સ અને ટેકનોલોજી એક બીજાથી જોડાયેલા છે, જ્યારે વાત ટેકનોલોજી, સાયન્સ અને સોફ્ટવેરની હોય તો ભારત પાસે ઉંમર પણ છે અને અનુભવ પણ છે: વડાપ્રધાન
- રિયલ ટાઇમ ડિજિટલ પેમેન્ટ્સમાં વિશ્વમાં ભારતની 40 ટકા ભાગીદારી છે: મોદી
- યુએસ અને યુકેની જેમ ભારત હવે ગ્લોબલ ફાયનાન્સિયલ સેન્ટર બન્યું છે: વડાપ્રધાન
ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આજે ૨૧મી સદીમાં ફાયનાન્સ અને ટેકનોલોજી એક બીજા સાથે જોડાયેલા છે. વાત જ્યારે ટેકનોલોજી, સાયન્સ અને સોફ્ટવેરની હોય ત્યારે ભારત પાસે ઉંમર પણ છે અને અનુભવ પણ છે. રિયલ ટાઇમ ડિજિટલ પેમેન્ટમાં આખા વિશ્વમાં ૪૦ ટકા ભાગીદારી એકલા ભારતની છે.
આજે ભારત દુનિયાની સૌથી મોટી ઇકોનોમી પૈકીનું એક છે. આ કારણે ભવિષ્યમાં આપણી ઇકોનોમી આજથી પણ વધુ મોટી હશે. આપણે તેના માટે અત્યારથી જ તૈયાર રહેવું પડશે. આપણે તેના માટે ઇન્સ્ટીટયુશન જોઇએ જે ગ્લોબલ ઇકોનોમીમાં આપણો આજનો અને ભવિષ્યનો રોલ કેટર કરી શકે.
ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જનો પ્રારંભ કરાવ્યો છે અને ઇન્ટરનેશનલ ફાયનાન્સિયલ સવસિઝ સેન્ટર્સ ઓથોરિટી (આઇએફએસસીએ) ના હેડક્વાર્ટર્સ બિલ્ડીંગનો શિલાન્યાય કર્યો છે. તેમણે એનએસઇ, આઇએફએસસી અને એસજીએક્સ કનેક્ટનું લોંચિંગ પણ કર્યું છે. આ સિસ્ટમ હેઠળ, સિંગાપોર એક્સચેન્જ લિમિટેડ (SGX) ના સભ્યો દ્વારા મૂકવામાં આવેલા નિફ્ટી ડેરિવેટિવ્ઝ પરના તમામ ઓર્ડર્સ NSE-IFSC ઓર્ડર મેચિંગ અને ટ્રેડિંગ પ્લેટફોર્મ પર રૂટ કરવામાં આવશે અને મેચ કરવામાં આવશે.
અનેક મહાનુભાવો તેમજ બિઝનેસ પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં મોદીએ તેમના પ્રવચનમાં કહ્યું હતું કે ૨૦૦૮માં વર્લ્ડ ઇકોનોમિક ક્રાઇસિસ અને રિસેસનનો દોર હતો. ભારતમાં પોલીસ પેરેલાઇસનો માહોલ હતો પરંતુ તે સમયે ગુજરાત ફિનટેકના ક્ષેત્રોમાં નવા અને મોટા પગલાં ભરી રહ્યું હતું. મને ખુશી છે કે તે આઇડિયા આજે આગળ વધ્યો છે. ગિફ્ટ સિટી કોમર્સ અને ટેકનોલોજીના હબના રૂપમાં તેની પહેચાન મજબૂત બનાવી રહ્યું છે. આ સિટી વેલ્થ અને વિસ્ડમ બન્નેને સેલિબ્રેટ કરે છે.
છેલ્લા આઠ વર્ષોમાં દેશે ફાયનાન્સિલ ઇન્ક્યુઝનનો એક નવો વેવ જોયો છે. ગરીબ થી ગરીબ પણ આજે ફોર્મલ ફાયનાન્સિયલ ઇન્ટીટયુશન્સથી જોડાઇ રહ્યો છે. આજે દેશની સૌથી મોટી આબાદી ફાયનાન્સ સાથે જોડાઇ ગઇ છે તેથી સમયની માંગ છે કે સરકારી સંસ્થાઓ અને પ્રાઇવેટ પ્લેયર્સ સાથે મળીને પગલાં ભરે.
તેમણે કહ્યું કે ગોલ્ડ પ્રત્યેનો ભારતીયોનો પ્રેમ મહત્વનો છે જેના કારણે ભારત આજે સોના અને ચાંદીના ક્ષેત્રમાં મોટું માર્કેટ ધરાવે છે. ભારતની ઓળખ માર્કિંગ મેકરની હોવી જોઇએ. જ્વેલર્સ સીધા બુલિયન ખરીદી શકશે અને ઇન્ટરનેશનલ પ્રાઇસ ડિસ્કવરીમાં ભાગ લઇ શકશે. ગોલ્ડમાંે ટ્રેડ કરવાની તક મળશે. ભારતમાં ગોલ્ડની ડિમાન્ડ અને પ્રાઇસને પ્રભાવિત તેમજ નિર્ધારિત કરશે.
મોદીએ કહ્યું કે ગિફ્ટ સિટીની અન્ય એક વિશેષતા એ છે કે તે ટ્રાઇસિટી અભિગમનો મુખ્ય આધારસ્તંભ છે. અમદાવાદ, ગાંધીનગર અને ગિફ્ટ સિટી એકબીજાથી માત્ર ૩૦ મિનિટના અંતરે છે. ગાંધીનગર વહીવટ, નીતિ અને નિર્ણયનું કેન્દ્ર છે, જ્યારે ગિફ્ટ સિટી અર્થતંત્રનું મુખ્ય કેન્દ્ર છે.
ઓથોરિટીના બિલ્ડીંગ અંગે વડાપ્રધાને કહ્યું કે આ ઇમારત તેના આર્કિટેક્ચર જેટલી ભવ્ય છે. તે ભારતને આર્થિક મહાસત્તા બનાવવા વિપુલ તક ઉભી કરશે. ગિફ્ટ સિટીમાં ભારતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય બુલિયન એક્સચેન્જ શરૂ થયું છે. આ સિટી ફિનટેક ક્ષેત્રમાં આખા દેશની આન, બાન અને શાન બની રહ્યું છે. ભારત હવે યુએસએ, યુકે અને સિંગાપુર જેવા દેશોની કતારમાં ઉભું છે જ્યાં ગ્લોબલ ફાયનાન્સને દિશા આપવામાં આવી રહી છે.
તેમણે આ પ્રસંગે સિંગાપુરનો ખાસ આભાર માન્યો હતો અને બન્ને દેશોની નાણાકીય સંસ્થાઓ ગિફ્ટ સિટીમાં સંયુક્ત રીતે આગળ વધશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે ભારતમાં રેકોર્ડબ્રેક એફડીઆઇ આવી રહ્યું છે. ભારતીય ફિનટેક કંપનીઓ ગિફ્ટ સિટીનો ઉપયોગ કરી સસ્ટેનેબલ ફાયનાન્સિયલ સિસ્ટમ અને સમાવિષ્ટ નાણાકીય ટેકનોલોજીના મોરચે વધારે સંધોશન કરી શકશે.
મોદીએ કહ્યું કે નાણાકીય સાક્ષરતાની સાથે નાણાકીય શિક્ષણના વ્યાપની અમાપ સંભાવનાઓ છે. ભારતમાં મ્યુચ્યુઅલ ફંડની એસેટ અંડર મેનેજમેન્ટ ૨૦૧૪માં ૧૦ લાખ કરોડ હતી જે આઠ વર્ષની અંદર ૨૫૦ ટકા વધી ૩૫ લાખ કરોડ થઇ છે. ગિફ્ટ સિટી ભારતની આર્થિક મહાશક્તિ તરીકે અમાર સંભાવનાનો આધાર બનશે.
વડાપ્રધાને કહ્યું હતું કે અમને એવી સંસ્થાઓની જરૂર છે જે વૈશ્વિક અર્થતંત્રમાં આપણી વર્તમાન અને ઉન્નત ભવિષ્યની ભૂમિકાને પૂરી કરી શકે. એક તરફ અમે સ્થાનિક કલ્યાણ માટે વૈશ્વિક મૂડી લાવી રહ્યાં છીએ અને બીજી તરફ અમે વૈશ્વિક કલ્યાણ માટે સ્થાનિક ઉત્પાદકતાનો પણ ઉપયોગ કરી રહ્યાં છીએ.
https://ift.tt/tlNR0FB from Uttar gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/9P8udxK
0 ટિપ્પણીઓ