- અમેરિકન નાગરિકોને કોલ કરી છેતરપિંડી કરતા હતા
- અમેરિકન બેંકમાંથી બોલું છુ કહી ફ્લાઇટની ટિકિટ બુક-કેન્સલ કરવાના નામે ઠગાઇ કરતા હતા
મળતી માહિતી મુજબ આણંદ એસઓજી પોલીસની ટીમ ગત રોજ પેટ્રોલીંગમાં હતી. દરમ્યાન ઉમરેઠના સુંદલપુરા ગામની શીરોવાળી નાળ સીમ વિસ્તારમાં આવેલ એક ગોડાઉનના ઉપરના માળે અરબાઝ ઉર્ફે ગબુ યુનુસભાઈ વ્હોરા તથા વસીમ ઉસ્માનગની વ્હોરા (બંને રહે.આણંદ) ભેગા મળી લેપટોપ, મોબાઈલ તથા ટીઓએસ મશીનોથી ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવી યુ.એસ. નાગરીકોના પૈસા પડાવી છેતરપીંડી આચરી રહ્યાં હોવાની બાતમી પોલીસને મળી હતી.
જેથી મળેલ બાતમીના આધારે પોલીસની ટીમે બાતમીવાળા સ્થળે ઓચિંતો છાપો મારતા છ શખ્સો મળી આવ્યા હતા. પોલીસે તેમના નામઠામ અંગે પૂછપરછ કરતા તે અરબાઝ ઉર્ફે ગબુ યુનુસભાઈ વ્હોરા (રહે.રોયલસીટી રોડ, આણંદ), વસીમ ઉસ્માનગની વ્હોરા (રહે.અમનપાર્ક સોસાયટી, આણંદ) ફરદીનખાન ઉર્ફે અદુ સાબીરખાન શેખ (રહે.કલકત્તા વેસ્ટબંગાળ), અયાનઅલી અફસરઅલી (રહે.કલકત્તા વેસ્ટબંગાળ), મોહંમદઅબી અરકમમોહમ્મદ ગુલામ કુદુસઅંસારી (રહે.કલકત્તા વેસ્ટબંગાળ) અને સાયમ રીયાઝ અહેમદ (રહે.કલકત્તા વેસ્ટબંગાળ) હોવાનું જણાવ્યું હતું. આમ તમામ છ શખ્સો ભેગા મળી ગેરકાયદેસર રીતે કોલસેન્ટરમાં અલગ-અલગ ઈન્ટરનેટની એપ્લીકેશનથી યુ.એસ.ના માણસોના નામ-સરનામા મેળવી પોર્ટ-સી એપથી યુ.એસ. નાગરીકોને પોતાની ખોટી ઓળખ આપી અમેરીકન બેંકમાંથી બોલતા હોવાનું જણાવી નાગરીકોને ફ્લાઈટ ટીકીટ બુકીંગના નામે અને ટીકીટ કેન્સલ કરાવવા માટે સમજાવી ઓનલાઈન લીંક મોકલી અમેરીકન નાગરીકોના પૈસા પડાવતા હોવાનું ખુલવા પામ્યું હતું.
પોલીસે ચાર નંગ લેપટોપ, આઠ મોબાઈલ ફોન તથા અલગ-અલગ કંપનીના પીઓએસ સ્વાઈપ મશીન મળી કુલ્લે રૂા.૨,૧૬,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કરી તમામ છ શખ્સોને ઉમરેઠ પોલીસને હવાલે કરતા પોલીસે તેઓની વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
https://ift.tt/UTnRkSa
0 ટિપ્પણીઓ