નવી દિલ્હી, તા.12 એપ્રિલ-2023, બુધવાર
દિલ્હી અને મહારાષ્ટ્રમાં ફરી કોરોનાએ પગપેસારો કર્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આ બંને રાજ્યોમાં કોરોના કેસો વધવાની સાથે મૃત્યુઆંક પણ વધતો જોવા મળી રહ્યો છે. દિલ્હીની વાત કરીએ તો અહીં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1100 થી વધુ કેસ નોંધાયા છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, દિલ્હીમાં પોઝિવિટિ રેટ 23 ટકાને પાર પહોંચી ગયો છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા તાજેતરના આંકડા અનુસાર, બુધવારે દિલ્હીમાં કોરોનાના 1149 નવા કેસ સામે આવ્યા છે, તો પોઝિવિટિ રેટ વધીને 23.8 ટકા પર પહોંચી ગયો છે.
દિલ્હીમાં આજે 1 દર્દીનું મોત
દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 1 દર્દીનું મૃત્યુ નોંધાયું છે. જો કે આરોગ્ય વિભાગ દ્વારા જારી કરાયેલા હેલ્થ બુલેટિન મુજબ, મૃત્યુનું પ્રારંભિક કારણ કોરોના નથી. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં કોવિડના કુલ 4827 ટેસ્ટ કરાયા છે. એક દિવસમાં 677 દર્દીઓ સાજા થયા છે. હાલમાં દિલ્હીમાં કોરોનાના કુલ 3347 સક્રિય કેસ છે, જેમાંથી 1995 હોમ આઇસોલેશનમાં છે અને 203 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે.
મહારાષ્ટ્રમાં 9 દર્દીઓના મોત
મહારાષ્ટ્રમાં પણ ફરી એકવાર કોરોનાના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે. 6 મહિના બાદ મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં 1 હજારથી વધુ કોરોના કેસ નોંધાયા છે. આંકડાઓ અનુસાર મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1115 નવા કેસ નોંધાયા છે. સંક્રમણના કારણે 9 દર્દીઓના મોત થયા છે. હવે રાજ્યમાં કુલ સક્રિય કોરોના કેસની સંખ્યા વધીને 5421 થઈ ગઈ છે.
કોરોનાના કેસોમાં સતત વધારો થશે
સત્તાવાર સૂત્રોનું માનીએ તો, ભારતમાં આગામી 10-12 દિવસ સુધી કેસ વધશે. સૂત્રોએ જણાવ્યું હતું કે, કેસ વધી રહ્યા હોવા છતાં હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યા ઓછી છે અને આ સંખ્યા ઓછી રહેવાની ધારણા છે. તેમણે કહ્યું કે, XBB.1.16ના કારણે કોરોના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. આ વેરિઅન્ય ઓમિક્રોનનું ઉપસ્વરૂપ છે. મળતા અહેવાલો મુજબ આ વેરિઅન્ટને આઈસોલેટ કરવામાં આવ્યો છે અને રસીની ક્ષમતાનો અભ્યાસ પણ કરવામાં આવ્યો છે, જેમાં સામે આવ્યું છે કે, આ વેરિઅન્ટ સામે વેક્સિન સંપૂર્ણપણે અસરકારક છે.
https://ift.tt/C3E2Jpy from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/cUaLm1E
0 ટિપ્પણીઓ