અમદાવાદ,બુધવાર
કણભા પોલીસે રાજસ્થાન અને હરિયાણાથી લાવવામાં આવેલો રૂપિયા ૫૫ લાખની કિંમતનો દારૂ અને બિયરની ૨૫ હજાર બોટલનો જથ્થો જપ્ત કર્યો છે. જે અંગે બે વ્યક્તિની ધરપકડ બાદ કરવામાં આવેલી પુછપરછમાં જાણવા મળ્યું હતું કે નરોડામાં રહેતા પ્રદીપસિંહ રાજપુત નામના બુટલેગરે દારૂ મંગાવ્યો હતો અને મહેમદાવાદ ગોકળપુરા પાસે એક ખેતરમાં ખાલી કરવાનો હતો. આ અંગે અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદ ગ્રામ્ય એલસીબીના અધિકારીઓને બાતમી મળી હતી કે નાના ચિલોડા નરોડા ખાતે રહેતા પ્રદીપસિંહ રાજપુતે રાજસ્થાનથી દારૂનો મોટો જથ્થો મંગાવ્યો છે. જે મહેમદાવાદના ગોકળપુરા ગામમાં માધુ ઝાલાના ખેતરમાં ખાલી કરવાનો છે. જે બાતમીને આધારે પોલીસે કણભાના કાણિયલ ગામ પાસે વોંચ ગોઠવી હતી. જેમાં એક પીકઅપ વાન ટ્રેલરને એસકોર્ટ કરીને જતી હતી અને તેની પાછળ એક ઇનોવા કાર અન્ય એક પીકઅપ વાન હતી. પોલીસને જોઇને તમામ વાહનોના ચાલકો ત્યાંથી નાસવા જતા પોલીસે પીછો કરીને ટ્રેલરને એસકોર્ટ કરી રહેલી ગાડીના ડ્રાઇવર સંદીપ રાજપુત (રહે. ખોડીયાર જ્યોત સોસાયટી, ઠક્કરબાપાનગર) અને માધુ ઝાલા (રહે.કાણીયલ ગામ, અમદાવાદ)ને ઝડપી લીધા હતા. પુછપરછમાં જાણવા મળ્યું હતું કે ટ્રેલરમાં દારૂનો જથ્થો પ્રદીપસિંહે મંગાવ્યો હતો અને માધુ ઝાલાના ખેતરમાં ખાલી કરીને પીકઅપ વાનથી અમદાવાદ લઇ જવાનો હતો. ઇનોવા કારમાં પ્રદીપસિંહ ટ્રેલરની પાછળ આવતો હતો.જ્યારે માધુ ઝાલાની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે મહેમદબાદમાં રહેતા કનુ ઝાલાએ તેેને ખેતરમાં દારૂ કરાવવાના બદલામાં નાણાં આપવાની વાત કરી હતી. બાદમાં પોલીસે તપાસ કરતા ટ્રેલરમાં વિવિધ બ્રાંડની દારૂ અને બિયરની ૨૫ હજાર જેટલી બોટલો મળી આવી હતી. જેની કિંમત રૂપિયા ૫૫ લાખ જેટલી અંદાજવામાં આવી છે. આ ઉપરાંત, પોલીસે ટ્રેલર, કાર અને બે પીકઅપ વાન પણ જપ્ત કરી હતી. આ અંગે પોલીસે કુલ છ લોકો વિરૂદ્વ પ્રોહીબીશનનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.
https://ift.tt/wo2ilW5
0 ટિપ્પણીઓ