સુરત મનપામાં નોકરી કરતો હોવાનુ કહી પતિએ મહિલા કોન્સ્ટેબલ સાથે છેતરપિંડી કર્યાની ફરિયાદ


- સુરતના કતારકામમાં રહેતા યુવક અને તેના માતા-પિતા વિરુદ્વ મહિલા કોન્સ્ટેબલે ગાયકવાડ હવેલી પોલીસ મથકે ફરિયાદ કરી

- વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલને શંકા જતા સુરત જઇને તપાસ કરતા સમગ્ર ભાંડો ફુટ્યો

અમદાવાદ,તા.09 માર્ચ 2023,ગુરૂવાર

શહેરના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી મહિલાને સુરતના કતારગામમાં રહેતા એક યુવકે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ક્લાર્ક તરીકે નોકરી કરતો હોવાની ખોટી વાત કહીને લગ્ન કરીને છેતરપિંડી કરી હોવાની ચોંકાવનારી ફરિયાદ ગાયકવાડ હવેલી પોલીસ મથકે નોંધવામાં આવી છે.   આ કેસમાં મહિલા કોન્સ્ટેબલના પતિ, સાસુ અને સસરા વિરૂદ્વ ફરિયાદ નોંધવામાં આવી છે. સગાઇ નક્કી થઇ ત્યારે યુવકે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં નોકરી કરતો હોવાની અને જે બાદ સુરત મનપામાં સારા પગારની નોકરી મળી હોવાનું કહીને બેંકની નોકરી છોડી હોવાની વાતનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. 

આ ઘટનાની વિગતો એવી કે ગાયકવાડ હવેલી સ્થિત રાયખડ પોલીસ લાઇનમાં રહેતી અને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી હેતલે (નામ બદલેલ છે) ની વર્ષ 2016માં પોલીસ વિભાગમાં પસંદગી થઇ હતી. દીકરી સરકારી નોકરી કરતી હોવાથી તેના માતા-પિતા તેના માટે સરકારી નોકરી કરતો છોકરો શોધતા હતા. ગત ડીસેમ્બર 2020મા તેમના સમાજના અને મુળ જામનગર કાલાવડના ખાનકોટડા ગામના તેમજ હાલ સુરત કતારગામ હરિઓમ સોસાયટીમાં આવેલા જય ખોડીયાર એપાર્ટમેન્ટમાં રહેતા વિશાલ રાઠોડ નામનો યુવકનું માંગુ હેતલ માટે આવ્યું હતું. વિશાલના માતા જયાબેનને પિતા કાનજીભાઇએ જણાવ્યું હતું કે તે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના સાયબર સિક્યોરીટી વિભાગમાં  નોકરી કરે છે. જે બાબતની ખાતરી પણ આપવામાં આવી હતી. જેથી મુલાકાત ગોઠવાયા બાદ હેતલેએ વિશાલ સાથે લગ્ન કરવાની હા કહી હતી. જેના થોડા દિવસ બાદ વિશાલે હેતલને ફોન કરીને કહ્યું હતું કે તેણે સુરત મહાનગરપાલિકામાં ક્લાર્ક વર્ગ-2ની પરીક્ષા આપી હતી અને તે પરીક્ષા સારા માર્કસથી પાસ કરી છે અને તેમાં બેંક કરતા વધારે પગાર છે. જેથી તે બેંકમાંથી રાજીનામુ આપીને મહાનગર પાલિકાની નોકરી કરશે. સાથેસાથે તેણે વિશ્વાસ કેળવવા માટે સુરત મહાનગરપાલિકાની નોકરીનો ઓર્ડર વોટ્સએપ કર્યો હતો. જેમાં પાંચ વર્ષ સુધી 31,340 રૂપિયા પગાર ફીક્સ પગાર મળવાની વાત હતી. અને ઓર્ડરમાં સુરતના પૂર્વ મ્યુનિસિપલ કમિશનર બંછાનીધી પાનીની સહી પણ હતી. અને પહેલી ડિસેમ્બર 2020ના રોજ નોકરીમાં હાજર થવાનું છે. જે બાદ 31મી ડિસેમ્બર 2020ના રોજ  હેતલ અને વિશાલની પણ  સગાઇ થઇ હતી. સગાઇ બાદ તે અવારનવાર મનપાની ઓફિસની નોકરીની વાત કરતો હતો. જેથી હેતલને તેના પર વિશ્વાસ આવી ગયો હતો.  

જે બાદ 5મી ફેબ્રુઆરી 2022ના રોજ બંનેના લગ્ન થયા હતા. લગ્ન બાદ સામાજીક અને ધાર્મિક વિધી માટે હેતલ સાસરીયાઓ સાથે જામનગર ખાનકોટડા ખાતે ગઇ હતી અને તેના સાસુ-સસરા ત્યાં જ રોકાઇ ગયા હતા. થોડા દિવસ બાદ હેતલ અને વિશાલ અમદાવાદ આવ્યા હતા. આ સમયે વિશાલે કહયું હતું કે હાલ સુરતમાં કોઇ છે નહી તો થોડા દિવસ માઉન્ટ આબુ જઇ તેમ કહીને ત્યાં ફરવા ગયા હતા. જે બાદ સુરત રોકાવા આવજે. માઉન્ટ આબુથી પરત આવ્યા બાદ આ દરમિયાન હેતલની રજા પૂર્ણ થતા તે પુનઃ નોકરીમાં જોડાઇ હતી અને વિશાલ સુરત જતો રહ્યો  હતો. લગ્ન બાદ પ્રથમ હોળી આવતી હોવાથી તે પાંચ દિવસ માટે સુરત સાસરીમાં રહેવા ગઇ હતી. ત્યારે વિશાલે પણ પાંચ દિવસની રજા લીધી હોવાની વાત કરીને તે ઘરે જ રહેતો હતો. આ સમયે તેણે હેતલને લોન લઇને મકાન ખરીદવાની વાત પણ કરી હતી અને મકાનનો ફોટો બતાવીને લોન લેવા માટે ફોર્મ-16 અને સેલેરી સ્લીપ મંગાવી હતી. જો કે હેતલે સહિયારી લોન લેવાની વાત કરતા વિશાલે ફાર્મ હાઉસની અલગ લોન લેવાનું કહી વાત ટાળી હતી. પતિ પત્ની એક જ જિલ્લામાં નોકરી કરતા હોવાનો સરકાર લાભ આપતી હોવાથી ગત જુલાઇ 2022માં સુનિતાએ તેની બદલી સુરત કરાવવા માટે વિશાલ પાસેથી તેની નોકરીનો ઓર્ડર અને સેલેરી સ્લીપ મંગાવી હતી.  જેથી એક જ જિલ્લામાં પતિ પત્નીને નોકરી મળી જાય. પરંતુ તેણે કાગળો બતાવ્યા બાદ તેના ફોટો પાડવાની ના કહી હતી. જેથી સુનિતાને વિશાલ પર શંકા ગઇ હતી. અને તેના પરિવાર સાથે સુરત જઇને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે વિશાલ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી કરતો હોવાની વાત ખોટી હતી  અને તેણે બનાવટી કોલ લેટર બતાવીને હેતલ સાથે છેતરપિંડી આચરી હતી. એટલું જ નહી તેના દાગીના પણ લોકરમાં મુક્યા હોવાનું કહી બારોબાર પડાવી લીધા હતા. તપાસમાં એવી પણ બાબત બહાર આવી હતી કે વિશાલના માતા પિતા પણ તેની હકીકત જાણતા હતા અને તેમણે પણ આ સમગ્ર છેતરપિંડીમાં વિશાલનો સાથ આપ્યો હતો. આમ, મહિલા કોન્સ્ટેબલ સાથે છેતરપિંડી થતા ગાયકવાડ હવેલી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે.



https://ift.tt/8N1TrZ2

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ