પદવીદાન સમારોહમાં ડ્રેસ કોડનો વીસીનો પ્રસ્તાવ આખરે મંજૂર

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના પદવીદાન સમારોહની તારીખ હજી  નક્કી નથી થઈ પણ યુનિવર્સિટીના સેનેટ અને સિન્ડિકેટ સભ્યો પદવીદાન સમારોહમાં એક સરખા કપડા પહેરશે તેવો નિર્ણય ૩૧ જાન્યુઆરીએ મળેલી સિન્ડિકેટની બેઠકમાં લેવાઈ ગયો હોવાનુ જાણવા મળ્યુ છે.

વાઈસ ચાન્સેલર પ્રો.વિજય શ્રીવાસ્તવે એક સપ્તાહ પહેલા જ્યારે આ પ્રસ્તાવ રજૂ કર્યો ત્યારે કેટલાક સેનેટ અને સિન્ડિકેટ સભ્યોએ તેનો વિરોધ કર્યો હતો પણ સિન્ડિકેટની બેઠકમાં વાઈસ ચાન્સેલરે એક સરખા કપડા પહેરવાની પોતાની જીદ પકડી રાખી હતી અને સિન્ડિકેટ સભ્યોએ વાઈસ ચાન્સેલર સમક્ષ શરણાગતિ સ્વીકારીને આ પ્રસ્તાવ મંજૂર રાખ્યો હતો.માત્ર બે જ સિન્ડિકેટ સભ્યોએ તેનો વિરોધ કર્યો હતો પણ અન્ય સિન્ડિકેટ સભ્યોના વલણના કારણે તેમણે પણ નમતુ જોખ્યુ હતુ.

જે નિર્ણય લેવાયો છે તે પ્રમાણે સિન્ડિકેટ અને સેનેટ સભ્યો ખાદીના બદામી રંગનો ઝભ્ભો અને લેંઘો પદવીદાન સમારોહમાં પહેરશે.જ્યારે મહિલા સભ્યો સાડી પરિધાન કરશે.આમ પદવીદાન સમારોહમાં ડ્રેસ કોડ લાગુ કરવા માટેનો વાઈસ ચાન્સેલરનો વિચાર સ્વીકારી લેવાયો છે.

ડ્રેસ કોડ સામે જાહેરમાં વિરોધ કરનારા અને બિન ભાજપી હોય તેવા સેનેટ સભ્યો વાઈસ ચાન્સેલરના અને સિન્ડિકેટના નિર્ણય સામે આકરી પ્રતિક્રિયા આપે તેવી શક્યતા છે.એવુ પણ જાણવા મળ્યુ છે કે, પહેલા તો સેનેટ અને સિન્ડિકેટ સભ્યોને યુનિવર્સિટીના ખર્ચે જ ઝભ્ભો લેંઘો આપવાની દરખાસ્ત હતી અને આ માટે લાખો રુપિયા ખર્ચો કરવાની તૈયારી કરાઈ હતી.પરચેઝ કમિટિમાં આ માટેની દરખાસ્ત પસાર કરાઈ હતી.જોકે સિન્ડિકેટ સભ્યોએ યુનિવર્સિટીના નહીં પણ પોતાના ખર્ચે જ કપડા લેવાનુ બેઠકમાં નક્કી કર્યુ હતુ.



https://ift.tt/9pdX6rI

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ