શેરની કાયદેસર ખરીદી કે વેચાણ નહી કરીને તફાવતના નાણાં પર ગેરકાયદેસર રીતે કૌભાંડ ચલાવવામાં આવતું હતું
નવરંગપુરા સંઘવી હાઇસ્કૂલ પાસેના શુભલક્ષ્મી ટાવરની ઘટના
અમદાવાદ, તા. 15 જાન્યુઆરી 2023 રવિવાર
સીઆઇડી ક્રાઇમ ગાંધીનગરની સાયબર સેલ દ્વારા નવરંગપુરા સંઘવી હાઇસ્કૂલ પાસે આવેલા શુભલક્ષ્મી ટાવરમાં ચાલતા ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગનો પર્દાફાશ કરીને ચાર વ્યક્તિની ધરપકડ કરીને નવ મોબાઇલ ફોન, બે લેપટોપ અને રોકડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
બ્રોકર પાસેથી ગેરકાયદેસર રીતે લોગઇન આઇડી મેળવીને વિવિધ કંપનીઓના શેરની કાયદેસરની ખરીદી કે વેચાણ નહી કરીને તેના તફાવતને આધારે આર્થિક લાભ લેવામાં આવતો હતો. પ્રાથમિક તપાસમાં પોલીસને કરોડો રૃપિયાના આર્થિક વ્યવહારો પણ મળી આવ્યા હતા. જે અંગે સીઆઇડી ક્રાઇમના સાયબર ક્રાઇમ સેલ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
સીઆઇડી ક્રાઇમના સાયબર ક્રાઇમ સેલના પીએસઆઇને બાતમી મળી હતી કે નવરંગપુરા સંઘવી હાઇસ્કૂલ પાસે આવેલા શુભલક્ષ્મી ટાવરમાં રહેતા સંજય શાહ અને રાજીવ શાહ નામના બે ભાઇઓ તેમના ઘરે ગેરકાયદેસર રીતે ડબ્બા ટ્રેડીંગનું મોટું કૌભાંડ ચલાવે છે. જેના આધારે પોલીસે શુક્રવારે મોડી સાંજે દરોડો પાડીને સંજંય શાહ , રાજીવ શાહ (બંને રહે. શુભલક્ષ્મી ટાવર, નવરંગપુરા) , વિનોદ શાહ (રહે. શિવશક્તિનગર, અખબારનગર) અને ઉજ્જવલ શાહ ( નિરવ કોમ્પ્લેક્સ, નવરંગપુરા)ને ઝડપી લીધા હતા.
પોલીસ સ્થળ પરથી કુલ 10 મોબાઇલ ફોનઅને બે લેપટોપ મળી આવ્યા હતા. જેમાં તેમણે વેલોસીટી બ્રોકર પાસેથી લોગઇન આઇડી મેળવીને મેટા ટ્રેડર્સ 5 નામની એપ્લીકેશનથી ગેરકાયદેસર સોદા કરવામાં આવતા હતા.
પોલીસે તપાસ કરતા ચારેય જણા મોબાઇલ અને લેપટોપ મારફતે વિવિધ કંપનીઓના શેરની ગેરકાયદેસર ખરીદી વેચાણ કરતા હતા. જેમાં કરોડો રૃપિયાના આર્થિક વ્યવહાર પણ મળી આવ્યા હતા. આ સાથે પોલીસને તેમની સાથે ડબ્બા ટ્રેડીંગ કરતા અનેક લોકોનું લીસ્ટ પણ મળી આવ્યું હતું.
સાયબર ક્રાઇમ સેલ દ્વારા જપ્ત કરાયેલા મોબાઇલ અને લેપટોપને તપાસ માટે ફોરેન્સીક લેબોરેટરીમાં મોકલવામાં આવશે અને તેના રિપોર્ટના આધારે આગળની તપાસ શરૃ કરવામાં આવશે.
https://ift.tt/8fmtx7G
0 ટિપ્પણીઓ