કડક સલામતી વચ્ચે અતીક-અશરફને અજાણ્યા લોકોએ ઠાર કર્યા


- દિવસે પુત્ર અસદની દફનવિધિ, રાત્રે પિતા-કાકાની હત્યા

- પ્રયાગરાજમાં મેડિકલ ચેકઅપ માટે લઇ જતી વખતે બનેલી ઘટના : અતીક અને અશરફ પત્રકારો સાથે વાતચીત કરવા આગળ વધ્યા કે તુરંત જ ગોળીબાર થયો 

- હુમલામાં એક પોલીસકર્મી પણ ઘાયલ, મોટી સંખ્યામાં પોલીસ તૈનાત નહોતી તેવો અતીકના વકીલનો દાવો

પ્રયાગરાજ: ઉત્તર પ્રદેશના ગેંગસ્ટર અતીક અહમદ અને તેના ભાઇ અશરફ અહમદની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. પ્રયાગરાજમાં હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ માટે અતીક અને તેના ભાઇ અશરફને લઇ જવામાં આવ્યા હતા, એવામાં તેઓ પર બેથી ત્રણ લોકો દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેમાં બન્નેના મોત નિપજ્યા હતા. હત્યામાં સામેલ ત્રણ શૂટરોની ઉત્તર પ્રદેશ પોલીસે ધરપકડ કરી લીધી છે. અતીક અને અશરફ બન્ને પોલીસ કસ્ટડીમાં હતા, તેઓ પ્રયાગરાજની હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ માટે જઇ જ રહ્યા હતા કે એવામાં જમા થયેલા ટોળામાંથી ત્રણ લોકોએ ગોળીબાર કરી દીધો હતો. જેથી સ્થળ પર જ બન્ને ગેંગસ્ટર માર્યા ગયા હતા.  

હજુ દિવસે પુત્ર અસદની દફનવિધિ કરવામાં આવી હતી ત્યાં રાત્રે પિતા અતીક અહમદ અને અતીકના ભાઇ અશરફનું ત્રણ શૂટરોએ ઢીમ ઢાળી દીધુ હતું. હત્યારા કોણ છે તેની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. અતીકના વકીલે જણાવ્યું હતું કે અતીક અહમદ અને અશરફને મેડિકલ ચેકઅપ માટે લઇ જવામાં આવ્યા હતા, તેઓ જેવા બહાર નિકળ્યા કે તુરંત ગોળીબાર થયો હતો. વકીલે દાવો કર્યો હતો કે આ હત્યા થઇ ત્યારે મોટી સંખ્યામાં પોલીસ તૈનાત નહોતી. જ્યારે પ્રાપ્ત અહેવાલો મુજબ આ હુમલામાં એક પોલીસકર્મી ગંભીર રીતે ઘાયલ થયો છે જેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે અતીક અને અશરફનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ સમગ્ર હત્યાકાંડને રાત્રે સાડા દસ વાગ્યા આસપાસ અંજામ આપવામાં આવ્યો હતો. 

પ્રયાગરાજની હોસ્પિટલમાં અતીક અને અશરફ જઇ રહ્યા હતા ત્યારે પત્રકારોની સાથે વાતચીત કરવા માગતા હતા, તેઓ પત્રકારો સમક્ષ આગળ વધી રહ્યા હતા ત્યારે જ તેના પર અંધાધુંધ ગોળીબાર થયો હતો. ગોળીબારને કારણે સમગ્ર વિસ્તારમાં અફરા તફરી મચી ગઇ હતી, પોલીસકર્મીઓ વચ્ચે પણ નાસભાગ જોવા મળી હતી. જોકે હુમલાખોરોના નિશાના પર અતીક અને અશરફ હતા, જેને કારણે તેમને અનેક ગોળીઓ ધરબી દેવામાં આવી હતી અને બન્નેનું સ્થળ પર જ  મોત નિપજ્યું હતું. અતીક અને અશરફ પોલીસ કસ્ટડીમાં હતા, તેમના પર ઉમેશ પાલ હત્યાનો આરોપ હતો. જે મામલે તેની પૂછપરછ ચાલી રહી હતી. ઉમેશ પાલ હત્યાકાંડમાં અતીકના પુત્ર અસદનો પણ હાથ હતો, જેનું એન્કાઉન્ટરમાં મોત નિપજ્યું હતું. અને શનિવારે દિવસે તેની દફનવિધિ પણ કરવામાં આવી હતી. ત્યારે હવે અતીક અને અશરફ પણ ઠાર મરાયા છે. જોકે આ હત્યાકાંડ પાછળ કોણ જવાબદાર છે તેની જાણકારી સામે નથી આવી. 

 ત્રણ હત્યારાઓએ સરન્ડર કર્યું, નારાજ યોગીએ બેઠક બોલાવી

અતીક અહમદ અને અશરફના હત્યારા શૂટરોએ હત્યાકાંડને અંજામ આપ્યા બાદ ભાગવાનો પ્રયાસ નહોતો કર્યો. એવા અહેવાલો છે કે આ શૂટરોએ જય શ્રી રામના નારા લગાવીને પોલીસ સમક્ષ સરેંડર કરી દીધુ હતું.  હત્યાને કારણે આદિત્યનાથ નારાજ હોવાના અહેવાલો છે. યોગીએ તાત્કાલીક ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી છે. બેઠકમાં તેઓ પોલીસ અધિકારીઓ પાસેથી આ સમગ્ર હત્યાકાંડની રિપોર્ટ માગી હતી અને સુરક્ષામાં ચૂકને લઇને પણ સવાલો કર્યા હતા.   જ્યારે આ હત્યા થઇ ત્યારે મોટી સંખ્યામાં મીડિયાકર્મીઓ પણ હાજર હતા, તેથી સમગ્ર ઘટના કેમેરામાં પણ કેદ થઇ ગઇ છે.




https://ift.tt/NPjeFlA from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/1A2taN9

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ