પ્રોજેકટ લાયનને સંભવિત તા. 26 એપ્રિલના વડાપ્રધાનના હસ્તે અમલમાં મુકવાની શકયતા


વડાપ્રધાનના કાર્યક્રમને લઈ વનતંત્રમાં દોડધામ સિંહો માટે નવું ઘર, બરડામાં સિંહોનો વસવાટ, માલધારીઓનું બરડામાંથી સ્થળાંતરનો પ્રોજેકટ લાયનમાં સમાવેશ છે કે કેમ ? તેને લઈ સવાલો

જૂનાગઢ, : સિંહો માટે મુખ્ય એવો પ્રોજેક્ટ લાયનને અમલમાં મુકવા માટે વન વિભાગમાં તૈયારીનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે આગામી તા.૨૬ એપ્રિલના સંભવિત વડાપ્રધાનના હસ્તે આ પ્રોજેકટને અમલમાં મુકવામાં આવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. ગાંધીનગરથી લઈ સાસણ સુધીના અધિકારીઓ વડાપ્રધાનના કાર્યક્રમને આખરી ઓપ આપી રહ્યા છે.

પ્રોજેક્ટ ટાઈગર, પ્રોજેકટ એલીફન્ટની સફળતા બાદ સિંહોને રક્ષા, સુરક્ષા અને આરોગ્ય માટે મહત્વનો એવો પ્રોજેકટ લાયનને કેન્દ્ર અને રાજય સરકારના વનતંત્રના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ત્રણ વર્ષથી તૈયાર કરવામાં આવી રહ્યો છે. હવે વડાપ્રધાનના હસ્તે પ્રોજેક્ટ લાયનને અમલમાં મુકવા માટેની તજવીજ ચાલી રહી છે. વડાપ્રધાન સોમનાથ અને સાસણના પ્રવાસે આવવાના છે તેના માટે સંભવિત તા.૨૬ નક્કી કરવામાં આવી છે. વડાપ્રધાનના કાર્યક્રમને લઈ ગાંધીનગરના વન વિભાગના અધિકારીઓની સાસણ અને જૂનાગઢમાં દોડધામ વધી ગઈ છે. વન વિભાગના અધિકારીઓ નાનામાં નાની બાબતને લઈ તંત્રના અધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ સાથે સતત ચર્ચા-વિચારણાઓ કરી રહ્યા છે.

પ્રોજેક્ટ લાયનને અમલમાં મુકવામાં આવ્યા બાદ શું ખરા અર્થમાં સિંહોને રક્ષા સુરક્ષાને ખૂટતું જંગલ સહિતની તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે કે કેમ તેને લઈ સિંહ પ્રેમીઓમાં અનેક ચર્ચાઓ ચાલી રહી છે. સિંહો માટે નવું ઘર શોધવાની છેલ્લા ઘણા વર્ષોથી વન વિભાગ મથામણ કરી રહ્યું છે. પરંતુ સરકાર દ્વારા તેને મંજૂરી આપવામાં આવે તેની રાહ જોવાઈ રહી છે. બરડા સહિતના વિસ્તારમાં વસવાટ થાય ત્યાં તેને તમામ સુવિધાઓ મળી રહે અને માલધારીઓના સ્થળાંતર સહિતના પ્રશ્નોનું નિરાકરણ થાય તે માટે પ્રોજેક્ટ લાયનમાં તેની જોગવાઈ છે કે કેમ તેને લઇ અનેક ચર્ચાઓ ચાલી રહી છે.




https://ift.tt/AeVFHxD

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ