સચિન પાયલટની ભૂખ હડતાળ પૂર્ણ, પ્રિયંકા ગાંધીએ કર્યો ફોન : પાર્ટી હાઈકમાન્ડ પગલાં લેશે ?

નવી દિલ્હી, તા.11 એપ્રિલ-2023, મંગળવાર

આજે કોંગ્રેસ પક્ષમાં બે શો યોજાયા... વાયનાડમાં રાહુલ ગાંધીનો રોડ શો યોજાયો, જોકે તેની ખાસ ચર્ચા ન થઈ, પરંતુ રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટે ફરી CMના વિરુધમાં જઈ ઉપવાસ કરતા તેની ખુબ ચર્ચાઓ થઈ... મુખ્યમંત્રી અશોક ગેહલોતના વિરોધમાં આજે સચિન પાયલોટ ભૂખ હડતાળ પર બેઠા હતા. હાઈકમાન્ડ સમજાવતા રહ્યા, પ્રદેશ પ્રમુખ તેમને પક્ષ વિરોધી ચાલ ગણાવતા રહ્યા, તેમ છતાં પાયલોટ ટસના મસ ન થયા... અહેવાલ છે કે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ મામલાને સંભાળવા માટે સચિન પાયલટને ફોન પણ કર્યો, તેમ છતાં તેમણે તેમનો ‘ઉપવાસ’ કાર્યક્રમ મુલતવી ન રાખ્યો...

પાયલોટે પ્રસાદ ખાઈને તોડ્યો ઉપવાસ 

સચિન પાયલટે આજે સાંજે પ્રસાદ ખાધા બાદ ઉપવાસ તોડ્યો હતો. જોકે તેમણે જણાવ્યું કે, હું સરકારની વિરુદ્ધ નથી, હું ભ્રષ્ટાચાર વિરુદ્ધ આંદોલન કરી રહ્યો છું. ગત વખતે અમે વસુંધરા રાજેના ભ્રષ્ટાચારની તપાસના મુદ્દા પર ચૂંટણી જીત્યા હતા. 6-7 મહિના પછી ફરી ચૂંટણી છે અને હજુ સુધી કોઈપણ કાર્યવાહી કરાઈ નથી, હવે અમે કયા ચહેરે જનતાની વચ્ચે જઈશું. મુખ્યમંત્રી પર આરોપો લાગશે કે તેમની વસુંધરા રાજે સાથે મિલીભગત છે. હું કોંગ્રેસના ભલા માટે ઉપવાસ કરી રહ્યો છું.

પાયલટે કહ્યું, ભ્રષ્ટાચાર સામેની લડાઈ ચાલુ રહેશે...

જયપુરમાં શહીદ સ્મારક ખાતે સવારે 11.00થી 4.00 વાગ્યા સુધી પાયલટે 5 કલાક ઉપવાસ કર્યા હતા. ત્યારબાદ પાયલોટે પત્રકારોને જણાવ્યું કે, ભ્રષ્ટાચાર સામેની લડાઈ ચાલુ રહેશે. અગાઉની ભાજપ સરકારના કાર્યકાળમાં થયેલા ભ્રષ્ટાચારના મામલામાં કાર્યવાહી થશે તેવી તેમણે આશા વ્યક્ત કરી હતી. તેમણે વધુમાં કહ્યું કે, રાજસ્થાનમાં અગાઉની વસુંધરા રાજે સરકારના કાર્યકાળ દરમિયાન થયેલા તમામ ભ્રષ્ટાચારના વિરોધમાં આજે મેં એક દિવસીય ઉપવાસ કર્યો. હું લાંબા સમયથી આ મુદ્દો ઉઠાવી રહ્યો છું. આ એ જ મુદ્દો છે જેના પર રાહુલ ગાંધીએ સંસદની અંદર અવાજ ઉઠાવ્યો હતો અને સંસદની બહાર કોંગ્રેસ અને વિપક્ષી પાર્ટીઓએ સંયુક્ત સંસદીય સમિતિની માંગ કરી હતી. કારણ કે ભાજપના શાસનમાં જે વ્યાપક ભ્રષ્ટાચાર થયો છે અને થઈ રહ્યો છે તેની સામે અમે અવાજ ઉઠાવવા માંગીએ છીએ.



https://ift.tt/kTi3L5v from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/SnuTc1C

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ