અમદાવાદ, રવિવાર
અમદાવાદના માધુપુરામાં આવેલા સુમેલ બિઝનેસ પાર્કમાં ૨૦ દિવસ પહેલા પીસીબીની ટીમ દ્વારા દરોડો પાડીને ગુજરાતના સૌથી મોટા ક્રિકેટ સટ્ટાબેટિંગના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. જેમાં અમદાવાદના સ્થાનિક બુકીથી લઇને દુબઇથી ભારતના સૌથી મોટા સટ્ટા બેટિંગનો કારોબારને ચલાવતા મહાદેવ બુકીનું નામ ખુલ્યું હતું. પોલીસને પ્રાથમિક તપાસમાં આ કૌભાંડમાં પાંચ હજાર કરોડના ગેરકાયદેર હિસાબો પણ મળી આવ્યા હતા. પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે આ કેસની તપાસમાં ઇકોનોમીક વિંગના ડીસીપીના અધ્યક્ષ સ્થાને સ્પેશીયલ ઇન્વેસ્ટીગેશન ટીમ પણ તૈયાર કરી હતી. જો કે શનિવારે અચાનક ડીજીપી વિકાસ સહાય દ્વારા આ કેસની તપાસ સ્ટેટ મોનીટરીંગ સેલને સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે એસએમસીના એસપી નિર્લિપ્ત રાયના સુપરવિઝનમાં તપાસ કરશે. આ કેસમાં અગાઉ અનેક લોકોની ધરપકડ પણ થઇ ચુકી છે અને પીસીબીએ અનેક મહત્વના પુરાવા પણ એકઠા કર્યા છે.ગત ૨૫મી માર્ચના રોજ પીસીબીના પીઆઇ ટી આર ભટ્ટ અને તેમની ટીમ દ્વારા માધુપુરાના સુમેલ બિઝનેસ પાર્કના બ્લોક નંબર જે ની અંદર આવેલી મહાવીર એન્ટરપ્રાઇઝ નામની દુકાનમાં દરોડો પાડીને ૧૮૦૦ કરોડના સટ્ટા બેટિંગ અને ડબ્બા ટ્રેડીંગનો પર્દાફાશ કરીને ચાર લોકોની ધરપકડ કરી હતી. દરોડા દરમિયાન પોલીસે ૧૯૩ સીમ કાર્ડ, ૫૩૮ ડેબીટ કાર્ડ અને ચેકબુક સહિત અનેક દસ્તાવેજો જપ્ત કર્યા હતા. મહાવીર એન્ટરપ્રાઇઝના નામે ક્રિકેટ સટ્ટા બેટિંગનું કૌભાંડ હર્ષિત જૈન દ્વારા ચલાવવામાં આવતું હતું. જો કે પીસીબીના દરોડા બાદ તે દુબઇ ફરાર થઇ ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે. બાદમાં તપાસ દરમિયાન આ સમગ્ર્ કૌભાંડ ૧૮૦૦ કરોડ રૂપિયાનું નહી પણ પાંચ હજાર કરોડ રૂપિયા સુધીનું હતું. અને કેસના તાર ભારતના સૌથી મોટા બુુકી મહાદેવ બુકી એટલે તે સૌરભ ચંદ્રાકર સુધી પહોંચ્યા હતા. સૌરભ ચંદ્રાકર મહાદેવ બુકીના નામે દુબઇથી ભારતનું સૌથી મોટું સટ્ટા બેટિંગ નેટવર્ક ચલાવે છે. આ કેસ ખુબ સંવેદનશીલ અને ગંભીર હોવાને કારણે પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે કેસની તપાસ માટે ઇકોનીમીક ઓફેન્સ વીંગની ડીસીપી ભારતી પંંંડયાના સુપરવિઝનમાં એસઆઇટી તૈયાર કરી હતી. ત્યારે શનિવારે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે આ કેસની તપાસ અંગે રિવ્યુ કરીને તમામ મુદ્દાઓ તપાસ્યા હતા. જે બાદ કેસની તપાસ સ્ટેટ મોનીટરીંગ સેલના સોંપવાનો હુકમ કર્યો હતો અને તાત્કાલિક અસરથી એસઆઇટીને વિખેરી હતી. હવે આ કેસની તપાસ મોનીટરીંગ સેલના એસપી નિર્લિપ્ત રાયના સુપરવિઝન હેઠળ કરવામાં આવશે. જો કે કેસની તપાસમાં મોનીટરીંગ સેલ પીસીબીની પણ મદદ લેશે.સુત્રોના જણાવ્યા મુજબ ડીજીપી વિકાસ સહાયે એસએમસીના એસપી નિર્લિપ્ત રાયને આ કેસના તમામ પાસાઓને તપાસવા ઉપરાંત, વિદેશમાં તપાસ કરવા માટે ગૃહવિભાગ તરફથી તમામ પ્રકારની મદદ આપવાની ખાતરી આપી હતી. ત્યારે આ કેસની તપાસ સોમવારથી શરૂ કરવામાં આવશે. ત્યારે અનેક મોટા ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
https://ift.tt/iuw8MaL
0 ટિપ્પણીઓ