વડોદરાઃ વડોદરાના પાણીગેટ-બાવામાનપુરા વિસ્તારમાં આવેલી અને એક વર્ષથી બંધ પડેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ઝવેરચંદ મેઘાણી સ્કૂલના ૩૦ રુમના તાળા તુટયા હોવાની વિગતો સપાટી પર આવ્યા બાદ શિક્ષણ સમિતિનુ તંત્ર દોડતુ થઈ ગયુ હતુ.
મળતી વિગતો પ્રમાણે આ સ્કૂલ જર્જરિત થઈ ગઈ હોવાથી એકાદ વર્ષ પહેલા બંધ કરાઈ હતી અને તેમાં ભણતા બાળકોને લાડવાડા ખાતે આવેલી બીજી પ્રાથમિક સ્કૂલમાં ખસેડવામાં આવ્યા હતા.એ પછી આ સ્કૂલને તાળા મારી દેવામાં આવ્યા હતા.ત્રણ મહિના પહેલા સ્કૂલની રખેવાળી કરતા એક સિક્યુરિટી ગાર્ડ પણ નિવૃત્ત થઈ ગયા હતા અને સ્કૂલ સાવ રેઢી પડી હતી.
સ્થાનિક લોકોનુ કહેવુ છે કે, સ્કૂલ હવે અસમાજિક તત્વોનો અડ્ડો બની રહી છે.અહીંયા રોજ સાંજ પછી નશાખોરી થતી હોવાની પણ અમને આશંકા છે.તસ્કરોને પણ મોકળુ મેદાન મળી ગયુ છે.એટલે સુધી કે હવે સ્કૂલમાં પ્રિન્સિપાલની ઓફિસ સહિત ૩૦ રુમોના તાળા તોડીને તસ્કરો અહીંયા મુકાયેલા સંગીતના સાધનો, બાળકોને રમવા માટેના રમકડાથી માંડીને સીસીટીવી અને કોમ્પ્યુટર સુધીની વિવિધ વસ્તુઓ ચોરી ગયા છે.
સ્થાનિક લોકોનુ એમ પણ કહેવુ છે કે, અગાઉ પણ રેઢી પડેલી સ્કૂલમાં ચોરી થઈ હતી અને શિક્ષણ સમિતિ દ્વારા પોલીસમાં ફરિયાદ આપવાની જગ્યાએ માત્ર અરજી કરીને સંતોષ માનવામાં આવ્યો છે.આ સ્કૂલને નવેસરથી બનાવીને તેને ફરી કાર્યરત કરવાની જરુર છે.જેથી આ વિસ્તારના બાળકોને અહીંયા શિક્ષણ મળે.
https://ift.tt/9aJpyMd
0 ટિપ્પણીઓ