નાણાંકીય લેવડ-દેવડમાં ફસાયેલા વેપારીએ કંટાળીેને ફિનાઇલ ગટગટાવી

અમદાવાદ,ગુરૂવાર

માધુપુરા કિરણનગર સોસાયટીમાં રહેતા એક વેપારીએ તેના ફસાયેલા નાણાં પરત ન મળતા અને વ્યાજખોરોનો સતત ત્રાસ વધતા કંટાળીને ફિનાઇલ ગટગટાવીને આત્મહત્યાનો પ્રયાસ કર્યાની ઘટના શાહપુર પોલીસ મથકે નોંધવામાં આવી છે.  જે અંગે પોલીસે ત્રણ શખ્સો વિરૂદ્વ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.  ફરિયાદમાં જામનગરના એક વ્યક્તિએ ધંધાકીય ઓફર આપીને નવ લાખ રૂપિયા લીધા હતા. જ્યારે અન્ય વ્યક્તિને એક લાખની લોન સામે ત્રણ લાખ ચુકવી દીધા હોવા છંતાય, સ્કૂટર અને બે એસી લઇ લીધા હતા.  શહેરના માધુપુરામાં આવેલી કિરણનગર સોસાયટીમાં રહેતા અશોકભાઇ  માળી જમાલપુરમાં કમિશન પર બટાકા ડુંગળીનો વેપાર કરે છે. તેમણે નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે  બે વર્ષ પહેલા તેના મિત્ર ધીરજ ઠક્કરની ઓળખાણથી  ધ્રોલ જામનગર ખાતે રહેતા તેના સાળા જીતેન્દ્ર વરયાણીએ  અસલાલી ખાતે ટ્રાન્સપોર્ટનો ધંધો શરૂ કરવાનો હોવાનું કહીને નવ લાખ રૂપિયા હાથ ઉછીના માંગ્યા હતા. જેમાં તેને લાલચ આપી હતી કે  આપણે ભાગીદારીમાં ધંધો કરીશું અને નફો પણ સારો મળશે.  જેથી લાલચમાં આવીને અશોકભાઇએ અઢી લાખ રૂપિયાની પર્સનલ લોન લઇને કુલ નવ લાખ રૂપિયા જીતેન્દ્ર વરયાણીને આપ્યા હતા. જો કે કોઇ નફો ન આપતા અશોકભાઇએ નાણાં પરત માંગતા જીતેન્દ્ર વરયાણીએ ધમકી આપી હતી કે એકપણ  રૂપિયો તમને મળશે નહી  અને હવે નાણાં માટે ફોન કરશો. તો જાનથી મારી નાખીશું. જેના આર્થિક તંગી વધતા અશોકભાઇએ બનાસકાંઠાના ડીસામાં રહેતા જીગર માળી  પાસેથી ધંધા માટે એક લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. જેના વ્યાજ સાથે ત્રણ લાખ રૂપિયા ચુકવી દીધા હતા.  તેમ છંતાય, જીગર નાણાંની ઉઘરાણી ચાલુ રાખી હતી. અને ઘરે આવીને અશોકભાઇનું નવુ સ્કૂટર પચાવી પાડીને કહ્યું હતું કે બાકી વ્યાજના દોઢ લાખ રૂપિયા મળશે તો જ સ્કૂટર પરત મળશે. ત્યારબાદ જીગર અન્ય માથાભારે વ્યક્તિ દ્વારા સતત કોલ કરાવીને ધમકી આપતો હતો. બીજી તરફ દશેક દિવસ પહેલા મહેશ ઠક્કર પાસેથી બે એસી લીધા હતા. જેના  ૬૪  હજાર આપવાના બાકી રાખ્યા હતા. પરંતુ, જીગર માળીએ તેના માણસને મોકલીને ઓફિસમાંથી બંને એસી પણ પડાવી લીધા હતા.  બીજી તરફ મહેશ  ઠક્કરે એસીના બાકીના નાણાંની ઉઘરાણી કરતા અશોકભાઇ કંટાળી ગયા હતા અને જીવન ટુંકાવવાનું નક્કી કરીને શાહપુર બહાઇ સેન્ટર પાસેથી ફિનાઇલની બોટલ લઇને પી લીધી હતી. જો કે તેના એક મિત્રને જાણ થતા તેણે તાત્કાલિક ૧૦૮ પર જાણ કરીને એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસે તેના નિવેદનને આધારે  ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

 



https://ift.tt/ezuhvkb

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ