નકલી મસાલાની ફેક્ટરીમાંથી 62 ટન જથ્થો પકડાયો


- નડિયાદમાં કેમિકલયુકત હળદર, મરચા અને મસાલા બનાવતી 3 ફેકટરી ઝડપાઇ હતી

- સદગુરૂ મસાલા ફેકટરીમાંથી 6,960 કિલો કિં. રૂ. 18,34 લાખનો, દેવ સ્પાઈસિસમાંથી 55 ટન કિંમત રૂ.  54,92,550 નો મળી કુલ રૂ.  73,27,050 નો જથ્થો કબજે લેવાયો

નડિયાદ : નડિયાદ ટાઉન પોલીસે કેમિકલ યુક્ત હળદર, મરચાં તેમજ મસાલા બનાવતી ફેક્ટરી ઝડપી પાડતા ખળભળાટ વ્યાપી ગયો છે. ફૂડ એન્ડ ડ્રગ્સ નડિયાદની ટીમે ત્રણ ફેક્ટરીઓમાંથી ભેળસેળ યુક્ત હળદર, મસાલા બનાવવામાં ઉપયોગમાં લેવાતા રૂા. ૭૩.૨૭ લાખનો કુલ ૬૨ ટનનો જથ્થો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

નડિયાદ ટાઉન પોલીસે નડિયાદ મહેમદાવાદ રોડ પર આવેલી  દેવ સ્પાઈસીસ નામની ફેક્ટરીના ગોડાઉનમાં દરોડો પાડતા કેમિકલ યુક્ત કણકીની બોરીઓ મળી આવી હતી. આ ફેક્ટરીમાં કેમિકલ ભેળવી હળદર, મરચાં, મસાલા વગેરે બનાવવામાં આવતા હોવાની જાણ થતાં  પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમને જાણ કરતા ફુડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓ ફેક્ટરીમાં દોડી આવ્યા હતા. આ દરોડામાં નડિયાદમાં આવેલી દેવ સ્પાઇસિસ, ડી દેવ તેમજ સદગુરુ મસાલા નામની ફેક્ટરી સહિત ત્રણ ફેક્ટરી માંથી લાખો રૂપિયાના મસાલામાં ભેળસેળ કરવામાં વપરાતો જથ્થો મળી આવ્યો હતો. જેમાં બનાવટી હળદર ૯,૬૯૦ કિલો, પ્રીમિક્સ ૪,૬૫૦ કિલો, ઓઇલ ૩૨,૬૦૦ કિલો, સ્ટાર્ચ પાવડર ૬,૩૦૦ કિલો, કણકી ૧,૩૫૦ કિલો તેમજ મરીની ફોતરી ૧૪૦ કિલો મળી કુલ ૫૪,૭૦૦ કિલો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો. આ ફેક્ટરી માંથી નકલી હળદર સહિતના નમુના લઇ ચકાસણી માટે સરકારી લેબોરેટરીમાં મોકલી આપવામાં આવશે. આ સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમ પી.ડી.પ્રજાપતિ ફૂડ એન્ડ ડ્રગ્સ નડિયાદે જણાવ્યું છે. વધુમાં ભેળસેળ કરવામાં સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ જણાય તો ભેળસેળ કરનારને રૂ. પાંચ લાખ સુધીના દંડની જોગવાઈ છે. જ્યારે રિપોર્ટ અનસેફ જણાય તો છ મહિનાની સજા અને એક લાખ દંડની જોગવાઈ કરવામાં આવી છે.

જયારે નડિયાદની બે ફેક્ટરીમાંથી બનાવટી હળદર, મસાલા બનાવવા વપરાશમાં લેવાતો લાખોનો જથ્થો મળી આવ્યો છે. જેમાં સદગુરુ મસાલા માંથી ૬,૯૬૦ કિલો રૂ.૧૮,૩૪,૫૦૦ નો જ્યારે દેવ સ્પાઈસિસમાંથી ૫૫ ટન કિંમત રૂ. ૫૪,૯૨,૫૫૦ નો મળી કુલ રૂ. ૭૩,૨૭,૦૫૦ નો જથ્થો કબજે લેવામાં આવ્યો હતો.

એફએસએસએઆઈની ટીમ સેમ્પલ લેવા ટીમ  દોડી આવી 

નડિયાદ શહેર પોલીસે મસાલા ફેકટરીમાં દરોડો પાડતા ખાધ પદાર્થોમાં ભેળસેળ કરવામાં આવતું હોવાનો પર્દાફાશ થયો હતો. આ અંગેની જાણ થતાં ફુડ એન્ડ ડ્રગ્સ ગાંધીનગર તેમજ એફ.એસ.એસ.એ.આઈ દિલ્હીની ટીમે નડિયાદ દોડી આવી ફેકટરીમાંથી વિવિધ સેમ્પલ લઈ ચકાસણી માટે કાર્યવાહી હાથ ધરી છે. આમ નડિયાદ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની કામગીરી શંકાના દાયરામાં આવી છે. 

સ્થાનિક ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ ભેળસેળિયા તત્વોને છાવરતી હોવાની અટકળો

ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અટકાવવા સેમ્પલ લઇ વેપારીઓ સામે કાર્યવાહી કરવાની હોય છે ત્યારે તંત્ર તહેવારો ટાણે રૂટિન કામગીરી કરતુ હોવાનું જોવા મળે છે જ્યારે ભેળસેળ કરતી મસાલા તેમજ ઠંડા પીણાં બનાવતી ફેક્ટરીઓને છાવરવામાં આવતાં હોવાની ચર્ચા એ જોર પકડયું છે.



https://ift.tt/wiJM8SZ

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ