મહારાષ્ટ્રમાં મહારેલી : લોન માફી સહિતની માંગ સાથે ઠાણે પહોંચ્યા હજારો ખેડૂતો

મુંબઈ, તા.15 માર્ચ-2023, બુધવાર

ઉત્તર મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાંથી હજારો ખેડૂતો અને આદિવાસીઓ મુંબઈ તરફ કૂચ કરી રહ્યા છે. આ કૂચ બુધવારે થાણે જિલ્લામાં પ્રવેશી હતી. તેમણે ડુંગળી ઉત્પાદકોને ક્વિન્ટલ દીઠ રૂ.600ની તાત્કાલિક આર્થિક રાહત, 12 કલાક માટે અવિરત વીજ પુરવઠો અને ખેડૂતોની લોન માફી સહિતની વિવિધ માંગણીઓના સમર્થનમાં રવિવારે ડિંડોરી શહેરમાંથી પગપાળા કૂચ શરૂ કરી હતી. ખેડૂતો સોયાબીન, કપાસ અને તુવેરના ભાવમાં થયેલા ઘટાડાને રોકવાના ઉપાયો અને તાજેતરના કમોસમી વરસાદ તેમજ અન્ય કુદરતી આફતોથી અસરગ્રસ્ત પામેલા ખેડૂતોને તાત્કાલિક રાહત આપવાની પણ માંગ કરી રહ્યા છે.


પ્રદર્શન કરનારાઓ 20મી માર્ચે મુંબઈ પહોંચે તેવી સંભાવના

માકપાના ધારાસભ્ય વિનોદ નિકોલેએ જણાવ્યું કે, માર્કસિસ્ટ કોમ્યુનિસ્ટ પાર્ટી દ્વારા આયોજિત કૂચ મુંબઈને અડીને આવેલા થાણે જિલ્લાના કસારા શહેરમાંથી પસાર થઈ હતી. નિકોલેએ જણાવ્યું કે, પ્રદર્શન કરનારાઓ 20મી માર્ચે મુંબઈ પહોંચે તેવી સંભાવના છે. ધારાસભ્યએ વધુમાં કહ્યું કે, મહારાષ્ટ્રના મંત્રીઓનું એક પ્રતિનિધિમંડળ વિરોધ કરી રહેલા ખેડૂતોના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરશે. સોમવારે ડુંગળીના ભાવમાં ભારે ઘટાડાથી અસરગ્રસ્ત થયેલા ડુંગળીના ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલે 300 રૂપિયા આપવાની મહારાષ્ટ્ર સરકારે જાહેરાત કરી હતી. મહારાષ્ટ્રમાં ડુંગળીના ભાવમાં ઘટાડો થયો છે, જેના કારણે ખેડૂતોને તેમના ઉત્પાદનના ખૂબ ઓછા ભાવ મળ્યા છે. નાશિક જિલ્લો દેશમાં ડુંગળીની ખેતીનું મુખ્ય કેન્દ્ર છે.

અગાઉ પણ ખેડૂતોએ રેલી કાઢી હતી : ઉદ્ધવ ઠાકરે

દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે, કિસાન મોરચો નાસિકથી મુંબઈ આવી રહ્યો છે. તેમના વિરોધ પર ધ્યાન આપવું જોઈએ. આ પહેલા પણ ખેડૂતોએ રેલી કાઢી હતી. આ દરમિયાન આદિત્ય ઠાકરે તેમને મળવા ગયા હતા, પરંતુ આજ સુધી આ સરકાર વતી કોઈ વાત કરવા ગયું નથી.



https://ift.tt/rWPwkdB from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/b1pc4j8

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ