- સંસદમાં પહેલી વખત એક સાથે આટલા સાંસદો બરતરફ થયા
- દુનિયામાં અન્ય દેશો કરતાં ભારતમાં મોંઘવારી ઓછી છે, હકીકતમાં સરકાર નહીં વિપક્ષ ચર્ચાથી ભાગી રહ્યો છે : નિર્મલા સીતારામન
નવી દિલ્હી : સંસદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે ત્યારે વિપક્ષ સંસદમાં સતત મોંઘવારી, બેરોજગારી, ખાદ્ય ચીજો પર જીએસટી, તપાસ એજન્સીઓના દુરુપયોગ જેવા મુદ્દાઓ પર હોબાળો કરી રહી છે, જેને પગલે સંસદ ઠપ્પ થઈ ગઈ છે. રાજ્યસભામાં મંગળવારે પણ વિપક્ષે ભારે હોબાળો કર્યો હતો અને ગૃહની કાર્યવાહી ખોરવી નાંખી હતી. પરિણામે રાજ્યસભામાં મંગળવારે ટીએમસી સાત, દ્રમુકના છ સભ્યો સહિત વિપક્ષના કુલ ૧૯ સભ્યોને એક સપ્તાહ માટે સસ્પેન્ડ કતરાયા હતા. જોકે, સસ્પેન્ડ કરાયેલા સાંસદોએ ગૃહ છોડવાનો ઈનકાર કરી દીધો હતો. મંગળવારે ગૃહની કાર્યવાહી ત્રણ વખત અને અંતે આખો દિવસ મુલતવી રાખવી પડી હતી.
સંસદનું ચોમાસુ સત્ર ૧૮મી જુલાઈથી શરૂ થયું છે અને પહેલા દિવસથી જ તમામ વિપક્ષ મોંઘવારી અને ખાદ્યપદાર્થો પર જીએસટી લગાવવાના વિરોધમાં ગૃહની કાર્યવાહી ખોરવી રહ્યા છે. નાયબ અધ્યક્ષ હરિવંશે ગૃહની કાર્યવાહી દરમિયાન વેલમાં ધસી આવેલા સાંસદોને વારંવાર તેમની બેઠક પર જવા અને ગૃહની કાર્યવાહીમાં અવરોધો ઊભા ન કરવા ચેતવણી આપી હતી. પરંતુ સંસદોએ વેલમાં સૂત્રોચ્ચાર ચાલુ રાખ્યો હતો.
અંતે સંસદીય કાર્ય રાજ્યમંત્રી વી. મુરલીધરને ૧૦ સભ્યોને સસ્પેન્ડ કરવાની દરખાસ્ત કરી, પરંતુ ધ્વનિ મતથી તે પસાર થઈ તો હરિવંશ ૧૯ સભ્યોના નામ બોલ્યા અને કહ્યું આ સભ્યોને એક સપ્તાહ માટે ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે. સસ્પેન્ડ કરાયેલા સાંસદોમાં તૃણમૂલ કોંગ્રેસના સાત, દ્રમુકના છ, તેલંગાણાના ત્રણ, માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટીના બે અને ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીના એકનો સમાવેશ થાય છે. પહેલી વખત એક જ સમયે ૧૯ સાંસદોને સસ્પેન્ડ કરાયા છે. અગાઉ ગયા વર્ષે નવેમ્બરમાં ટેબલ પર ચઢી જવા, કાગળો હવામાં ઉડાડવા અને ગૃહની મિલકતને નુકસાન પહોંચાડવા બદલ એક જ સમયમાં વિપક્ષના ૧૨ સાંસદોને સસ્પેન્ડ કરાયા હતા.
વિપક્ષનો આક્ષેપ છે કે સરકાર દેશમાં મોંઘવારી, બેરોજગારી, ખાદ્ય ચીજો પર જીએસટી જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવાથી દૂર ભાગી રહી છે. અગાઉ દિવસમાં શૂન્યકાળ વખતે વિપક્ષના સાંસદોએ વેલમાં ધસી આવી સૂત્રોચ્ચાર કરતાં એક પણ મુદ્દો હાથમાં લીધા વિના જ ગૃહની કાર્યવાહી મુલતવી રખાઈ હતી.
સસ્પેન્ડ થયેલા સાંસદોએ ગૃહ છોડવાનો ઈનકાર કરી દીધો હતો અને તેઓ ગૃહમાં જમીન પર બેસી ગયા હતા. પરિણામે નાયબ અધ્યક્ષ હરિવંશે પહેલાં ૧૫ મિનિટ, પછી એક કલાક અને અંતે આખા દિવસ માટે ગૃહ મુલતવી રાખ્યું હતું. તૃણમૂલ કોંગ્રેસે કહ્યું કે, તમે અમને સસ્પેન્ડ કરી શકો છો, પરંતુ અમે ચૂપ રહી શકીએ નહીં. આ દયનીય સ્થિતિ છે. અમારા સાંસદો લોકોના મુદ્દા ઉઠાવવાનો પ્રયત્ન કરે છે, પરંતુ તેમને સસ્પેન્ડ કરી દેવાય છે. આવું ક્યાં સુધી ચાલશે? સંસદની પવિત્રતા સાથે સમજૂતી કરાઈ રહી છે.
કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા પીયુષ ગોયલે કહ્યું કે, સાંસદોને સસ્પેન્ડ કરવાનો નિર્ણય ભારે મનથી લેવાયો છે. તેઓ સતત ચેરમેનની અરજીની અવગણના કરી રહ્યા હતા. કોરોના મહામારીમાંથી બેઠા થયેલા નાણામંત્રી નિર્મલા સીતારામને કહ્યું કે, સરકાર મોંઘવારીના મુદ્દે ચર્ચા માટે તૈયાર છે. ગૃહે નિર્ણય કર્યો છે કે જે સભ્ય કાર્યવાહીમાં ભાગ ના લેતા હોય તેમને સસ્પેન્ડ કરવામાં આવે. અમે જણાવવા માગીએ છીએ કે ભારતમાં અન્ય દેશોની સરખામણીમાં મોંઘવારી ઓછી છે. હકીકતમાં વિપક્ષ ચર્ચાથી ભાગી રહ્યો છે.
https://ift.tt/b5am4tf from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/vpXNstT
0 ટિપ્પણીઓ