- સજાની મુદત પૂરી થયા પછી છ વર્ષ સુધી ચૂંટણી નહીં લડી શકે
- જન પ્રતિનિધિ કાનૂન પ્રમાણે સાંસદ કે વિધાયક કોઇને પણ બે વર્ષ કે તેથી વધુ સજા થાય તો, તેઓ સભ્યપદ ગુમાવે છે
નવી દિલ્હી : સૂરત કોર્ટે માનહાની કેસમાં ગુરૂવારે રાહુલ ગાંધીને દોષિત ઠરાવી ૨ વર્ષની સજા કરી છે. આ પછી લોકસભા સચિવાલયે, રાહુલ ગાંધીની સદસ્યતા રદ્દ કરી છે. જન પ્રતિનિધિ કાનૂન પ્રમાણે જો સાંસદને કે વિધાયક કોઇને પણ બે વર્ષ કે તેથી વધુ સજા થાય તો તેઓનું સભ્યપદ (સાંસદ કે વિધાયક તરીકેનું) રદ્દ થઈ જાય છે.
આજે લોકસભાની બેઠક શરૂ થઈ ત્યારે રાહુલ ગાંધી ત્યાં ઉપસ્થિત હતા, પરંતુ લોકસભા સચિવાલયે તેઓનું સભ્યપદ રદ્દ કરતાં તેઓને ગૃહ છોડી દેવાની ફરજ પડી હતી. રાહુલ ગાંધી કેરલનાં વાયનાડના સાંસદ છે.
વાસ્તવમાં સૂરત કોર્ટના તે ચુકાદાના સમયથી જ તેઓની લોકસભાની સદસ્યતા ઉપર તલવાર લટકતી હતી. તેટલું જ નહીં પરંતુ સજાની અવધી પૂરી થયા પછી છ વર્ષ સુધી ચૂંટણી લડવા માટે અયોગ્ય ઠરે છે.
અત્યારે તો રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા ખત્મ થઈ ગઈ છે. જો કે સદસ્યતા બચાવવા માટેના તમામ માર્ગો બંધ થયા નથી. તેઓએ સૂરત સેશન્સ કોર્ટના ચુકાદા સામે હાઇકોર્ટમાં અરજી કરી છે. જો હાઈકોર્ટ સ્ટે ન આપે તો તેઓ સુપ્રીમ કોર્ટમાં પણ જઈ શકે.
જો સુપ્રીમ કોર્ટમાં સ્ટે મળે તો તેઓની સદસ્યતા બચી શકે પરંતુ જો સર્વોચ્ચ અદાલત તરફથી પણ તેઓને રાહત ન મળે તો, રાહુલ ગાંધી ૮ વર્ષ સુધી કોઇ ચૂંટણી લડી નહીં શકે.
આ કેસની વિગત તેવી છે કે કર્ણાટકના કોલારમાં ૧૩ એપ્રિલ ૨૦૧૯ના દિને તેમણે એક ચૂંટણી રેલીમાં કહ્યું હતું : 'નીરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદીની સરનેમ કોમન શા માટે છે ? દરેક ચોરોની સરનેમ મોદી જ શા માટે હોય છે ?'
રાહુલનાં આ કથન અંગે ભાજપના વિધાયક અને પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ તેઓની વિરુદ્ધ ધારા ૪૯૯, ૫૦૦ નીચે અપરાધિત માન હાનીનો કેસ દાખલ કર્યો હતો. પોતાની ફરિયાદમાં તેમણે આરોપ મુક્યો હતો કે રાહુલે ૨૦૧૯ની ચૂંટણી રેલીને સંબોધિત કરતાં સંપૂર્ણ મોદી સમુદાયને કથિત રૂપે આમ કહીને બદનામ કર્યો છે કે, 'દરેક ચોરોની સરનેમ મોદી કેમ છે ?'
પરિણામે સૂરતની કોર્ટે 'મોદી-સરનેમ'વાળા કથનોને લીધે દોષિત ઠરાવી ૨ વર્ષની સજા કરી હતી. રાહુલે ૨૦૧૯માં ચૂંટણી પહેલાં આ કથનો કર્યા હતા. કોર્ટે રાહુલને ૧૫૦૦૦ રૂપિયાના હાથ મુચરકા ઉપર જામીન આપતાં સજા ૩૦ દિવસ માટે સસ્પેન્ડ કરી છે. દરમિયાન રાહુલ ઉપલી અદાલતમાં તેને પડકારી શકશે.
સુરતના જજે પોતાના ૧૭૦ પાનાનાં જજમેન્ટમાં લખ્યું છે કે, આરોપી પોતે જ સાંસદ (સંસદ સભ્ય) છે. અને સુપ્રીમ કોર્ટે આપેલી સલાહ પછી પણ (એક અન્ય કેસમાં) તેમનાં આચરણમાં કોઇ ફેર પડયો નથી.
https://ift.tt/ofMtVPI from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2lPX5oy
0 ટિપ્પણીઓ