અમદાવાદ,ગુરૂવાર
સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓએ બુધવારે બાપુનગર અર્બનનગર ખાતે દરોડા પાડીને ૨૫ ફુટ ઉંડો ખાડો ખોદીને છુપાવવામાં આવેલા રૂપિયા ૪.૬૮ લાખની કિંમતના વિદેશી દારૂ સહિત પોલીસે કુલ ૨૭.૬૭ લાખ રૂપિયાની મત્તા જપ્ત કરીને મુખ્ય આરોપી સહિતી ચાર લોકોની ધરપકડ કરી છે. જ્યારે સાત ફરાર લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આરોપીઓ લક્ઝરી કારમાં દારૂ લાવીને ઘરની બહાર ખુલ્લી જગ્યામાં ખાડો ખોદીને આ દારૂનો જથ્થો છુપાવતા હતા. ત્યારે મોનીટરીંગ સેલના દરોડાના પગલે રખિયાલ પોલીસ સ્ટેશનના સ્ટાફમાં સોંપો પડી ગયો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલના સ્ટાફને બાતમી મળી હતી કે રખિયાલ પોલીસ સ્ટેશનની હદમાં આવતા અર્બનનગરમાં રહેતો નાજીર હુસૈન કાદર શેખ તેની બે એસયુવી ગાડીઓમાં બહારથી દારૂનું કટીંગ કરાવીને લાવે છે. બાદમાં તે ઘરની આસપાસની જમીનમાં ખાડા ખોદીને દારૂનો જથ્થો સંતાડે છે. જે બાતમીને આધારે બુધવારે દરોડો પાડયો હતો. ત્યારે પોલીસની રેડથી નાસભાગ મચી ગઇ હતી. આ દરમિયાન પોલીસે નાસીરહુસૈન શેખ ,વકાર હુસૈન અંસારી અને કુત્બુદ્દીન ઘાંચીને ઝડપી લીધા હતા. જ્યારે અન્ય સાત આરોપીઓ નાસી ગયા હતા. પોલીસને સ્થળ પરથી એક સ્ક્રોપીયો , થાર અને સ્કુટર મળી આવ્યું હતું. બાદમાં આસપાસમાં તપાસ કરતા જમીનમાં ખાડા ખોદેલા હોવાની શંકા જતા માટી હટાવીને જોતા પતરા નીચે છુપાવેલો રૂપિયા ૪.૬૭ લાખની કિંમતનો દારૂ મળી આવ્યો હતો. આમ, પોલીસે કુલ ૨૭.૬૭ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે.તો બીજી તરફ સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડાને પગલે રખિયાલ પોલીસમાં સોંપો પડી ગયો હતો. ખાસ કરીને હવે ડીજીપી દ્વારા રખિયાલ પોલીસ સ્ટેશનના અધિકારીઓ વિરૂદ્વ સસ્પેન્શન સુધીની કાર્યવાહી થશે તેમ પણ સુત્રોએ જણાવ્યું હતું.
https://ift.tt/fRNBsQv
0 ટિપ્પણીઓ