નોઈડા, તા.૯
ઉત્તર પ્રદેશના નોઈડા ખાતે પોશ વિસ્તારમાં આવેલી હાઉસિંગ સોસાયટી ઓમેક્સમાં એક મહિલા સાથે ગાળાગાળી કરનારા ભાજપ નેતા શ્રીકાંત ત્યાગીની અંતે મંગળવારે મેરઠમાંથી ધરપકડ કરાઈ છે. તેના ગેરકાયદે બાંધકામ સામે વાંધો ઉઠાવનાર મહિલા સાથે અભદ્ર વર્તન કરતો વીડિયો વાઈરલ થયા પછી ત્યાગી ભાગી છૂટયો હતો. દરમિયાન પોલીસે મંગળવારે ફરી એક વખત ત્યાગીની પત્નીની અટકાયત કરી છે. અગાઉ શુક્રવારે પણ પોલીસે તેમની અટકાયત કરી હતી.
નોઈડામાં ઓમેક્સ સોસાયટીમાં મહિલા સાથે અભદ્ર વર્તન કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા પછી શ્રીકાંત ત્યાગી છેલ્લે શુક્રવારે સાંજે દેખાયો હતો. ત્યાર પછી તે લાપતા હતો. પોલીસે તેની માહિતી આપનારને રૂ. ૨૫,૦૦૦નું ઈનામ પણ જાહેર કર્યું હતું. ઉત્તર પ્રદેશ પોલીસના અધિક ડિરેક્ટર જનરલ (એડીજી - કાયદો અને વ્યવસ્થા) પ્રશાંત કુમારે લખનઉમાં જણાવ્યું હતું કે ત્યાગીની ધરપકડ કરાઈ છે. તેમણે અત્યાર સુધી ત્યાગીને ફેબુ્રઆરી ૨૦૨૦ પછી કોઈ સંરક્ષણ અપાયું હોવાનો ઈનકાર કર્યો હતો. ત્યાગીની સાથે તેને સાથ આપનારા ત્રણ લોકોની પણ ધરપકડ કરાઈ છે.
નોઈડા પોલીસે શ્રીકાંત ત્યાગીની પૂછપરછી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, ત્યાગીએ કબૂલ્યું છે કે તેણે ગુસ્સામાં આવીને આવું વર્તન કર્યું હતું, જે યોગ્ય નહોતું. તેણે પોતાની ભૂલ માની છે. તે નોઈડા પોલીસથી ડરી ગયો હતો અને તેથી ભાગી ગયો હતો. અગાઉ પોલીસે કાર્યવાહી કરતાં તેની પાંચ કાર જપ્ત કરી હતી તેમાં એક કાર પર ધારાસભ્યનું સ્ટીકર લાગેલું હતું અને અન્ય એક કારની નંબર પ્લેટ પર ઉત્તર પ્રદેશ સરકારનો સત્તાવાર લોગો લગાવાયેલો હતો. ધારાસભ્યનું સ્ટીકર તેને સ્વામી પ્રસાદ મૌર્યએ આપ્યું હતું જ્યારે ઉત્તર પ્રદેશ સરકારનો લોગો તેણે જાતે બનાવડાવ્યો હતો.
શ્રીકાંત ત્યાગીની ધરપકડ પહેલાં પોલીસે મંગળવારે સવારે ફરી એક વખત ફેસ-૨ પોલીસ સ્ટેશનમાં દાખલ કેસમાં પૂછપરછ કરવા માટે શ્રીકાંત ત્યાગીની પત્નીની અટકાયત કરી હતી. પોલીસે શુક્રવારે પણ ત્યાગીની પત્નીની લગભગ ૨૪ કલાક સુધી પૂછપરછ કરી હતી.
અગાઉ ત્યાગીએ સોમવારે ગૌતમ બુદ્ધ નગર જિલ્લાની કોર્ટમાં સરન્ડર થવા સંબંધે અરજી કરી હતી. આ બાબતની સુનાવણી ૧૦મી ઑગસ્ટે થવાની હતી. નોઈડા પોલીસે તેને 'ભાગેડુ' અને તેના પર ઈનામ જાહેર કરતાં તેણે કોર્ટમાં સરન્ડર થવા અરજી કરી હતી. દરમિયાન પોલીસે ઓમેક્સ સોસાયટીની ફરિયાદને પગલે સોમવારે ત્યાગીના ઘરની બહાર તેણે કરેલા ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવ્યું હતું.
https://ift.tt/PCRl13Y from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/l6zHJrc
0 ટિપ્પણીઓ