હિંદુઓને લઘુમતીનો દરજ્જો આપવા મામલે સુપ્રીમ કોર્ટે રાજ્યો દ્વારા ઈનકારના 'નક્કર ઉદાહરણ' માગ્યા


- અરજીકર્તાએ અલ્પસંખ્યકોની જીલ્લાવાર ઓળખ કરવાની પણ માગણી કરી છે

નવી દિલ્હી, તા. 18 જુલાઈ 2022, સોમવાર

દેશના 9 રાજ્યોમાં હિંદુઓને લઘુમતીનો દરજ્જો આપવા અંગેની ધર્મગુરૂ દેવકીનંદન ઠાકુરની અરજી મામલે સુપ્રીમ કોર્ટે એક મહત્વની વાત રાખી છે. સુપ્રીમ કોર્ટે અરજીકર્તાને જણાવ્યું કે, તમે એવા નક્કર ઉદાહરણ રજૂ કરો જ્યાં કોઈ રાજ્ય વિશેષમાં હિંદુઓની વસ્તી ઓછી હોવા છતાં તેમને લઘુમતીનો વાજબી દરજ્જો માગવા પર ન મળ્યો હોય. 

અરજીકર્તા તરફથી વરિષ્ઠ વકીલ અરવિંદ દત્તારે કોર્ટને જણાવ્યું કે, આ મુદ્દો અગાઉ પણ કોર્ટમાંથી રાષ્ટ્રીય અલ્પસંખ્યક આયોગને મોકલવામાં આવેલો છે. કોર્ટે અલ્પસંખ્યક આયોગનો રિપોર્ટ રજૂ કરવા માટે જણાવ્યું છે અને 2 સપ્તાહ બાદ આ કેસમાં આગામી સુનાવણી થશે. 

સુનાવણી દરમિયાન જસ્ટિસ યૂયૂ લલિતે જણાવ્યું કે, જો કોઈ નક્કર મુદ્દો છે કે, મિઝોરમ કે કાશ્મીરમાં હિંદુઓને લઘુમતીનો દરજ્જો આપવાનો ઈનકાર કરવામાં આવ્યો છે, તો જ અમે આ મુદ્દા પર ધ્યાન આપી શકીએ. અમને એક નક્કર સ્થિતિની જરૂર છે. જ્યાં સુધી અધિકારોને સ્પષ્ટ નહીં કરવામાં આવે ત્યાં સુધી અમે આ અંગે વિચાર ન કરી શકીએ. 

ત્યારે અરજીકર્તાના વકીલે કહ્યું કે, 1993ના એક નોટિફિકેશન પ્રમાણે મુસ્લિમ, ઈસાઈ, શીખ, બૌદ્ધ, પારસી તથા જૈન રાષ્ટ્રીય સ્તરે અલ્પસંખ્યક છે. કોર્ટના નિર્ણયમાં કહેવામાં આવ્યું છે કે, અલ્પસંખ્યકોને રાજ્ય દ્વારા સૂચિત એટલે કે, નોટિફાઈડ કરવામાં આવશે. આપણે હિંદુઓને લઘુમતીનો દરજ્જો આપવાથી વંચિત રાખવાની વાત કરી રહ્યા છીએ. એવું માની લેવામાં આવે છે કે, હિંદુઓ લઘુમતીમાં ન હોઈ શકે.  

શું છે સમગ્ર મુદ્દો 

હકીકતે સુપ્રીમ કોર્ટમાં રાષ્ટ્રીય અલ્પસંખ્યક આયોગ અધિનિયમ 1992ની કલમ 2 (સી)ની માન્યતાને પડકારતી એક જનહિતની અરજી દાખલ કરવામાં આવેલી છે. અધિનિયમ 1992ની કલમ 2 (સી)માં મુસ્લિમ, ઈસાઈ, બૌદ્ધ, પારસી, શીખ અને જૈનને રાષ્ટ્રીય સ્તરે અલ્પસંખ્યક ઘોષિત કરવામાં આવેલા છે. અરજીકર્તાએ અલ્પસંખ્યકોની જીલ્લાવાર ઓળખ કરવાની પણ માગણી કરી છે. આધ્યાત્મિક નેતા અને ભાગવત કથાના વક્તા દેવકીનંદન ઠાકુરે જનહિતની આ અરજી દાખલ કરેલી છે. 

વધુ વાંચોઃ દેશમાં વસતિના આધારે લઘુમતિ જીલ્લાવાર કરવા સુપ્રીમ કોર્ટમાં અરજ




https://ift.tt/7TbSFjE from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/S6Y4uZo

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ