- વિધવાએ રૂ. 42 લાખનું રોકાણ કર્યુ, નફા સાથે રૂ. 51.40 લાખની ઉઘરાણી કરી તો વાયદા કર્યાઃ કોર્ટએ રૂ. 37.50 લાખ ચુકવવા કહ્યું પરંતુ એક પણ રકમ ચુકવી નહીં
- પોલીસમાં અરજી કરી તો રૂ. 24.50 લાખ ચુકવવાનું કહી સમાધાન કરી ધક્કે ચઢાવ્યા
સુરત, તા. 17 જુલાઈ 2022 રવિવાર
વેસુ વીઆઇપી રોડની વિધવા મહિલાને વાર્ષિક 40થી 50 ટકા નફાની લાલચ આપી રૂ. 42 લાખ પડાવી લીધા બાદ નફો તો ઠીક મુદ્દલ પણ નહીં ચુકવતા મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. કોર્ટએ શરતોને આધીન રૂ. 37.50 લાખ ચુકવવા આદેશ કર્યો હોવા છતા પિતા-પુત્રએ વિધવાને ધક્કે ચઢાવતા ઉમરા પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે.
વેસુ વીઆઇપી રોડ સ્થિત ફોનીક્સ બિલ્ડીંગમાં રહેતી અને ટ્યુશન કલાસીસ ચલાવતી વિધવા પેરી પિયુષ શાહ (ઉ.વ. 50) ને તેના મિત્ર રિષીર શૈલેશ શ્રોફ (રહે. 804, મીલાનો હાઇટ્સ, એ બિલ્ડીંગ, રાજહંસ સિનેમા પાછળ, પીપલોદ) એ વર્ષ 2017 માં ઇસરો કંપનીનું મશીન ખરીદી ધંધો કરવો છે, મને રોકાણમાં મદદ કરશો તો વાર્ષિક 40થી 50 ટકા નફો આપીશ તેવી લાલચ આપી હતી. જેથી લાલચમાં આવી પેરીએ પોતાના અને પરિણીત પુત્રીના બેંક એકાઉન્ટમાંથી રિષીરને આરટીજીએસથી રૂ. 42 લાખ ટ્રાન્સફર કર્યા હતા. પરંતુ વર્ષ 2019 સુધી એક પણ રૂપિયો પરત આપ્યો ન હતો. જેથી પેરીએ નફા સહિત રૂ. 51.40 લાખની ઉઘરાણી કરતા રિષીરે વાયદા પર વાયદા કર્યા હતા.
પેરીએ રિષીરના પિતા પાસે ઉધરાણી કરતા તેમણે એવું કહ્યું હતું કે મારા દિકરાએ કોઇકને વ્યાજે આપ્યા છે અને અમારી બંનેની ભાગીદારી છે, પૈસા હાલમાં નથી અને અમે આપવાના પણ નથી. જેથી પેરીએ કોર્ટ કેસ કરતા કોર્ટએ રૂ. 51.40 લાખની સામે રૂ. 37.50 લાખ શરતોને આધીન ચુકવવા કહ્યું હતું. પરંતુ રિષીરે કોર્ટની શરતોનો અનાદર કરી એક પણ રૂપિયો ચુકવ્યો ન હતો. જેથી પેરીએ પોલીસમાં અરજી કરતા રિષીરે રૂ. 24.50 લાખ ચુકવવાનું કહી સમાધાન કર્યુ હતું. પરંતુ ત્યાર બાદ પણ પૈસા નહીં ચુકવી છેતરપિંડી કરી હતી.
https://ift.tt/rNK6Fmw from Daxin gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/vrJSn42
0 ટિપ્પણીઓ