ભારે વરસાદ અને પૂરના કારણે મહારાષ્ટ્રના 28 જિલ્લામાં તબાહી, મૃતક આંક 105 પર પહોંચ્યો


- રાજ્યમાં રાહત અને બચાવ કાર્ય માટે કેન્દ્ર દ્વારા NDRFની 12 ટીમો મોકલવામાં આવી છે

મુંબઈ, તા. 18 જુલાઈ 2022, સોમવાર

મહારાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. આ કુદરતી આફતને કારણે રાજ્યમાં અત્યાર સુધીમાં 105 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રના કુલ 28 જિલ્લા ભારે વરસાદના કારણે પૂરથી પ્રભાવિત થયા હતા. તેમાં પુણે, સતારા, નાસિક, સોલાપુર, જલગામ, અહમદનગર, બીડ, લાતૂર, વાશિમ, યવતમાલ, ધુલે, જાલના, અકોલા, બુલઢાણા, ભંડારા, નાગપુર, નંદુરબાર, મુંબઈ, ઉપનગર, પાલઘર, ઠાણે, નાંદેડ, અમરાવતી, વર્ધા, રત્નાગિરી, સિંધુદુર્ગ, ગઢચિરોલી, સાંગલી, ચંદ્રપુર વગેરે જિલ્લા સામેલ છે. 

આ જિલ્લાઓમાં 1 જૂન, 2022થી અવાર-નવાર વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના આ હિસ્સામાં લગભગ 24.6 મિમી સરેરાશ વરસાદ નોંધાયો છે. 7 લોકો ગુમ છે અને 69 લોકો વરસાદ અને પૂરના કારણે સર્જાયેલી ઘટનાઓમાં ઘાયલ થયા છે. મહારાષ્ટ્રના કુલ 275 ગામ પૂરથી પ્રભાવિત છે. રાજ્યમાં વરસાદને કારણે અત્યાર સુધીમાં વિવિધ જિલ્લાઓમાં 44 મકાનોને સંપૂર્ણ નુકસાન થયું છે. તો 1368 મકાનોને આંશિક નુકસાન થયું છે.


રાજ્યના પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં 11,836 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. 189 પશુઓના મોત થયા છે. મહારાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા 73 પૂર રાહત શિબિરો ચલાવવામાં આવી રહી છે. રાજ્યમાં રાહત અને બચાવ કાર્ય માટે કેન્દ્ર દ્વારા NDRFની 12 ટીમો મોકલવામાં આવી છે. તેમાંથી NDRFની 2-2 ટીમો થાણે, રત્નાગીરી, કોલ્હાપુર, મુંબઈમાં બચાવ કામગીરીમાં સામેલ છે. NDRFની 1-1 ટીમો પાલઘર, સતારા, રાયગઢ અને સિંધુદુર્ગમાં મેદાનમાં છે.

રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફોર્સની ચાર ટીમો રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે. તેમાંથી SDRFની 2 ટીમ વર્ધામાં, 1-1 ટીમ નાંદેડ અને ગઢચિરોલીમાં બચાવ કામગીરીમાં સામેલ છે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં 105 લોકોના મોતનું કારણ વરસાદ, વીજળી, ભૂસ્ખલન અને વૃક્ષો પડવાનું આપવામાં આવ્યું છે. દક્ષિણ મુંબઈની કોલાબા વેધશાળામાં 12.8 મીમી વરસાદ નોંધાયો હતો જ્યારે સાંતાક્રુઝ વેધશાળામાં છેલ્લા 24 કલાકમાં 23.3 મીમી વરસાદ નોંધાયો હતો.



https://ift.tt/gkwGDJ9 from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/tL7qSM0

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ