IPL 2022: હું ચિંતિત છું કે વિરાટ કોહલી બોલરો પર પ્રભુત્વ જમાવી શક્યો નથી: ઈયાન બિશપ


મુંબઈ, તા. 05 મે 2022, ગુરૂવાર

પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી માટે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022ની સીઝન ખરાબ સ્વપ્નથી ઓછી નહીં હોય. તે સતત રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. આ અંગે અનેક દિગ્ગજોએ ચિંતા વ્યક્ત કરી છે. તેમાં વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ઈયાન બિશપનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું હતું કે, વિરાટ કોહલી વર્તમાન આઈપીએલ સિઝનમાં સંઘર્ષ કરતો જોવા મળી રહ્યો છે. વિવિધ પ્રકારના બોલરો તેને આઉટ કરી રહ્યા છે તે ખૂબ ચિંતાનો વિષય છે.

કોહલીએ આ સિઝનમાં અત્યાર સુધી માત્ર એક જ અડધી સદી ફટકારી છે અને તેની મદદથી તેણે અત્યાર સુધી 11 મેચમાં કુલ 216 રન બનાવ્યા છે. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ માત્ર 111.91 રહ્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામેની છેલ્લી મેચમાં 33 બોલમાં 30 રનની તેની ઈનિંગ મોઈન અલીએ બોલ્ડ કરી હતી. બિશપે કહ્યું હતું કે, તે સ્પિન સામે કોહલીના સંઘર્ષને લઈને ચિંતિત છે. 

- કોહલી રન બનાવની ઈચ્છા પણ બતાવતો નથી 

બિશપે કહ્યું હતું કે, શરૂઆતના 10-15 રનની ઈનિંગ દરમિયાન તે બોલ વડે બરાબર રન બનાવી શકતો નથી અને તે આવું કરવાની ઈચ્છા પણ બતાવતો નથી. તેણે છેલ્લી મેચમાં સિક્સર ફટકારીને સ્ટ્રાઈક રેટમાં સુધારો કર્યો હતો પરંતુ તે પછી તેની રન બનાવવાની ગતિ ધીમી પડી ગઈ હતી.

બિશપે કહ્યું હતું કે, વિરાટ સાથે આવું માત્ર આ સિઝનમાં જ નથી થઈ રહ્યું. તેની સાથે ગત સિઝનમાં પણ આવુ થયુ હતું. આ ચિંતાજનક વિષય છે. ઈનિંગની શરૂઆતમાં આટલા બોલ રમ્યા બાદ જો તમે ઝડપથી રન નથી બનાવી શકતા તો તમારે પોતાની ઈનિંગને લંબાવવી પડશે. જો તમે લાંબી ઈનિંગ્સ નહીં રમો તો ટીમ માટે મુશ્કેલ સ્થિતી બની શકે છે.

સ્પિનરો સામે કોહલીના સંઘર્ષનો ઉલ્લેખ કરતા તેણે કહ્યું હતુ કે, તેને વેસ્ટ ઈન્ડિઝના ભારત પ્રવાસ દરમિયાન (ફેબ્રુઆરીમાં) રોસ્ટન ચેઝે આઉટ કર્યો હતો. અમે તેને છેલ્લી કેટલીક ટેસ્ટ મેચોમાં ઓફ સ્પિનરોના બોલ પર આઉટ થતા જોયો છે. હું આ અંગે ચિંતિત છું. હું એ વાતથી પણ ચિંતિત છું કે વિવિધ પ્રકારના બોલરો તેને આઉટ કરી રહ્યા છે. તે બોલરો પર પ્રભુત્વ જમાવી શક્યો નથી.



https://ift.tt/E9dfgaj from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3diuOE4

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ