ભારતની પહેલી બુલેટ ટ્રેનની સીટી વાગે છે...
ભારતની પહેલી બુલેટ ટ્રેન અમદાવાદ મુંબઇ વચ્ચે શરૂ થઇ રહી છે. મોદી સરકારના આ ડ્રીમ પ્રોજેક્ટ આડે આવતા તમામ અવરોધોનો અંત આવી ગયો છે. રેલ્વે મંત્રાલયે કહ્યું છે કે બુલેટ ટ્રેનના માર્ગ પર આવતી નદીઓ પર બ્રિજ બની રહ્યા છે. તેમાં સૌથી લાંબો બ્રિજ ભરૂચ નજીક નર્મદાનો બ્રિજ હશે. તે ૧.૨ કિ.મીટર લાંબો હશે. બુલેટ ટ્રેન માટે વચ્ચે આવતી નદીઓ પર અંદાજે ૨૦ જેટલા બ્રિજ બનાવાશે. જુન ૨૦૨૪ સુધીમાં આ બ્રિજ તૈયાર થઇ જશે. ૨૦૨૪ના લોકસભાના જંગમાં બુલેટ ટ્રેનના પ્રોજેક્ટને પ્રચારનો મુદ્દો બનાવાશે..
ફ્યુચર ગૃપનું કુલ દેેવું....રૂ. ૬૫૦૦ કરોડ
ફ્યુચર ગૃપની ત્રણ કંપનીઓ ફ્યુચર રીટેલ (FRL), ફ્યુટર લાઇફ સ્ટાઇલ ફેશન (FLSF) અને ફ્યુચર સપ્લાય ચેન સોલ્યુશન (FSCS)નું કુલ દેવું ૬૫૦૦ કરોડ રૂપિયા છે. કહે છેકે ફ્યુચરના કિશોર બિયાની બે હાથમાં લાડુ રાખવામાં વ્યસ્ત હતા. તેમણે રીલાયન્સના મુકેશ અંબાણી સાથે પણ સોદો કર્યો હતો એમ એમેઝોન સાથેપણ સોદો કર્યો હતો. મામલો કોર્ટમાં ગયો હતો. હવે મુકેશ અંબાણીએ તેમનેા હાથ છોડી દેતા કિશોર બિયાણીના બંને હાથના લાડુનો ભુક્કો થઇ ગયો છે. હવે તેમના ફાળે અનેક કેસોનો સામનો કરવાનો આવશે.
શુભમનની મસ્કને વિનંતી, સ્વિગી પણ ખરીદી લો
ટ્વિટર ખરીદનારા એલન મસ્કને ઉદ્દેશીને ભારતીય ક્રિકેટર શુભમન ગિલે કરેલી ટ્વિટે સોશિયલ મીડિયા પર સૌને મોજ કરાવી દીધી. ગિલે લખ્યું કે, એલન મસ્ક, પ્લીઝ સ્વિગી ખરીદી લો કે જેથી એ લોકો સમયસર ઓર્ડર તો ડીલિવર કરી શકે.
સ્વિગીએ સત્તાવાર રીતે તો બહુ નમ્રતાથી જવાબ આપ્યો કે, ટ્વિટર હોય કે ના હોય, સ્વિગીમાં તમારા ઓર્ડરની બરાબર કાળજી લેવાય જ છે. તમે તમારા ઓર્ડરની વિગતો મોકલો, અમે કોઈ પણ એક્વિઝિશનથી વધારે ઝડપથી ઉકેલ લાવીશું. સ્વિગીના નામના બિનસત્તાવાર ટ્વિટર પરથી જડબાતોડ જવાબ અપાયો કે, સ્વિગીનો ડીલિવરી ટાઈમ ટી-૨૦માં તારી બેટિંગ કરતાં હજુય ફાસ્ટ જ છે. ગિલ ગુજરાત ટાઈટન્સમાંથી રમે છે પણ બહુ ચાલ્યો નથી.
અદાણીને પછાડવા અંબાણી જંગી IPO લાવશે
મુકેશ અંબાણી રીલાયન્સ જીયો અને રીલાયન્સ રીટેઈલ વેન્ચર્સના આઈપીઓ લાવશે એવા અહેવાલથી બજારમાં ઉત્તેજના છે. દરેક આઈપીઓ ૫૦ હજાર કરોડ રૂપિયાથી ૭૫ હજાર કરોડ રૂપિયાનો હશે એવું કહેવાય છે.
રીલાયન્સની વાર્ષિક સામાન્ય સભા (એજીએમ)માં અંબાણી તેની જાહેરાત કરશે એવા દાવા થઈ રહ્યા છે. સામાન્ય રીતે રીલાયન્સની એજીએમ જૂન-જુલાઈમાં મળે છે. ભારતમાં અત્યાર સુધી સૌથી મોટો આઈપીઓ પેટીએમનો ૧૮,૩૦૦ કરોડનો આવ્યો છે. મુકેશના આઈપીઓ આ રેકોર્ડ તોડી નાંખશે. રીટેઈલ વેન્ચર્સનો આઈપીઓ ઓક્ટોબર સુધીમાં લાવવાની મુકેશની યોજના છે. જીયોનો આઈપીઓ ડીસેમ્બરમાં આવશે. યુએસ સ્ટોક માર્કેટ નાસ્દાકમાં પણ તેનું લિસ્ટિંગ કરાવીને ગ્લોબલ કંપની બનાવાશે.
શક્તિકાન્ત દાસ શહીદ થવા માગે છે ?
રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ રીપોર્ટ ઓન કરંસી એન્ડ ફાયનાન્સ (આરસીએફ) બહાર પાડયો તેમાં કહેવાયું છે કે, કોરોનાના રોગચાળાના કારણે થયેલું નુકસાન સરભર કરતાં ભારતીય અર્થતંત્રને ૧૫ વર્ષ લાગશે.
રીપોર્ટમાં ભારતીય અર્થતંત્રનું ધૂંધળું ચિત્ર રજૂ કરાયું તેના કારણે ચર્ચા છે કે, શક્તિકાન્ત દાસને પણ શહીદ બનવાના શોખ જાગ્યા છે કે શું ? ઉર્જિત પટેલની જેમ ટર્મ પૂરી કર્યા પહેલાં રવાના થવાની ઈચ્છા છે કે શું ? અલબત્ત આર્થિક નિષ્ણાતો દાસની હિંમતને વખાણી રહ્યા છે.
આ રીપોર્ટમાં વધતી મોંઘવારીનો મુદ્દો પણ છે. ભારતે મજબૂત અને ટકાઉ વિકાસ કરવો હોય તો ભાવો સ્થિર હોવા જરૂરી છે એ વાત પર ભાર મૂકાયો છે.
ઓનલાઈન ગેમ્સનો ચસકો ભારે પડશે
ભારતમાં ઓનલાઈન ગેમ્સનો ચસકો વધ્યો છે. આઈપીએલમાં તો આ ચસકો બહુ વધી જાય છે ત્યારે તેના રસિયાઓએ સરકારને વધારે ટેક્સ ચૂકવવો પડી શકે છે. કેસિનો, રેસ કોર્સ અને ઓનલાઈન ગેમિંગ પર જીએસટી અંગે નિર્ણય લેવા રચાયેલા ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ (જીઓએમ)ની આજે બેઠક છે. આ બેઠકમાં બધી ઓનલાઈન ગેઈમ્સ પર ૨૮ ટકા ટેક્સનો નિર્ણય લેવાય એવું મનાય છે.
અત્યારે સટ્ટો સામેલ હોય એવી ઓનલાઈન ગેમ્સ પર ૨૮ ટકા જીએસટી લાગે છે. સટ્ટો ના લગાવાતો હોય એવી ગેમ્સ પર ૧૮ ટકા જીએસટી લાગે છે. હવે પછી બધી ગેમ્સ પર ૨૮ ટકા ટેક્સ થશે, સટ્ટો સામેલ હોય તેના પર વધારાનો સેસ લગાવાઈ શકે છે.
ભાજપ નેતા સાથેની નિકટતા જેકલિનને ના બચાવી શકી
સામાન્ય રીતે વિપક્ષના નેતાઓને ઝપટમાં લેતી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ની ઝપટે એક્ટ્રેસ જેકલિન ફર્નાન્ડિઝ ચડી ગઈ છે. ઈડીએ ઠગ સુકેશ ચંદ્રશેખર સામેના કેસના સંદર્ભમાં જેકલિનનની ૭.૧૨ કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લીધી છે. સુકેશે બ્લેકમેઈલિંગ કરીને પડાવેલી રકમમાંથી જેકલિનને ૭.૧૨ કરોડની ગિફ્ટ્સ આપી હતી.
જેકલિનને આ વાતનો અંદાજ હતો જ તેથી મહારાષ્ટ્ર ભાજપના દિગ્ગજ નેતાના સંપર્કમાં હતી. નેતાએ જેકલિનને બચાવી લેવાની ખાતરી આપીને તેની સાથે ગાઢ સંબંધો બનાવ્યા હોવાનું કહેવાય છે. ઈડીના ચક્કરથી બચવા જેકલિને નેતાની શરણાગતિ સ્વીકારી લીધી હતી પણ આ નિકટતા પણ જેકલિનને બચાવી શકી નથી.
જેકલિન આ કેસમાં આરોપી નથી તેથી તેણે જેલની હવા ખાવી નહીં પડે પણ સંપત્તિથી હાથ ધોવા પડી શકે છે.
એમેઝોન ખોટના ખાડામાં, બેઝોસનાં વળતાં પાણી ?
એમેઝોને જાન્યુઆરી-માર્ચના પહેલા ક્વાર્ટરમાં ૩.૮૪ અબજ ડોલરની તોતિંગ ખોટ કરતાં જેફ બેઝોસનાં વળતાં પાણી થવા માંડયાં છે કે શું એવો સવાલ પૂછાઈ રહ્યો છે. વોલ સ્ટ્રીટના એક્સપર્ટ્સને ધારણા હતી કે, એમેઝોન ૪ અબજ ડોલરની આસપાસ નફો કરશે પણ તેના બદલે કંપની ખોટના ખાડામાં ઉતરી ગઈ છે. ૨૦૧૫ પછી પહેલી વાર એમેઝોને ખોટ કરી છે.
એમેઝોને ઈલેક્ટ્રિક વ્હીકલ કંપની રિવિયન ઓટોમોટિવના શેરોમાં કરેલા રોકાણનું ખોટમાં મોટું યોગદાન છે પણ કંપનીના ઈ-કોમર્સ બિઝનેસે પણ ૧.૨૮ અબજ ડોલરનું નુકસાન કર્યું જ છે. નિષ્ણાતોનું માનવું છે કે, બેઝોસ પોતાનો ધંધો સાચવવાના બદલે બીજે હવાતિયાં મારે છે તેનું આ પરિણામ છે.
https://ift.tt/SDUxayV from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/fEQHSzB
0 ટિપ્પણીઓ